ભ્રષ્ટાચાર મુદ્દે સ્મૃતિને પદભ્રષ્ટ કરો : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 14 : ટેન્ડર વગર એમપીએલએડીના રૂપિયા 6 કરોડની ચૂકવણી કરવા માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર તહોમત મૂકતા કેગના રિપોર્ટને ટાંકીને કોંગ્રેસે આજે સ્મૃતિ ઈરાનીને હોદ્દા પરથી પદભ્રષ્ટ કરવાની અને તેમની સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી.`ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ યોગ્ય તપાસ માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને પદભ્રષ્ટ કરવાનો અને તેમની સામે  એફઆઈઆર   નોંધવાનો સમય  હવે આવી ગયો છે' એમ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું. `આ તો હોદ્દાનો દુરુપયોગ અને જાહેર જનતાનાં નાણાંની ઉચાપતનો સ્પષ્ટ કેસ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનીને હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવી જોઈએ,' એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું. કેગના રિપોર્ટમાં ઈરાની પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ટેન્ડર બહાર પાડયા વિના એક એનજીઓને એમપીએલએડી હેઠળ કામ સોંપવામાં આવ્યું હતું અને તેને કારણે રૂપિયા 5.93 કરોડની અનિયમિત ચુકવણી થઈ હતી, જેમાં એનજીઓને રૂપિયા 84.53 લાખની ચુકવણી દગાપૂર્વક કરવામાં આવી હતી. કેન્દ્રીય ટેકસ્ટાઈલ પ્રધાન ઈરાનીએ એમપીએલએડી સ્કીમ હેઠળ કામના અમલ માટે નોડલ ડિસ્ટ્રિક્ટ તરીકે આણંદ જિલ્લાની પસંદગી કરી હતી. એનજીઓ શારદા મજૂર કામદાર કો-ઓપરેટિવ સોસાયટીની પસંદગી સ્કીમની માર્ગદર્શિકા અને સૂચનોની વિરોધમાં હતી અને પસંદગી માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા પાળવામાં આવી નહોતી, એમ કેગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું. ગુજરાતની ભાજપ સરકારને આ બાબતની જાણ કરતાં કેગે આ એનજીઓનાં તમામ કાર્યોની તપાસ કરવાની ભલામણ કરી હતી. કોંગ્રેસના ગુજરાતના વિધાનસભ્ય અને પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઈરાની દ્વારા પસંદ કરાયેલો એનજીઓ બાંધકામ મજૂરોની સહકારી મંડળી હોવાનું મનાય છે, પરંતુ હકીકતમાં સભ્યો ભાજપના છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer