ભુજની ભાગોળેની જમીનના કેસની તપાસ ફોજદાર પાસેથી લઇ પી.આઇ.ને અપાઇ

ભુજ, તા. 13 : શહેરની ભાગોળે મિરજાપર ગામની હદમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની જમીનના કિસ્સામાં તપાસ અને તપાસનીશોની ભૂમિકા સામે સવાલો ઉઠાવા સાથે થયેલી ફરિયાદ-અરજીને ગંભીરતાથી લઇને પોલીસદળે તપાસની કાર્યવાહી ફોજદાર પાસેથી આંચકી લઇને પોલીસ ઇન્સ્પેકટરને સુપરત કરવાનો આદેશ કર્યો છે. સરહદ રેન્જના વડા આઇ.જી. તથા જિલ્લાના પોલીસ અધીક્ષક સહિતના ઉચ્ચ સ્તરે કેસના ફરિયાદી માનકૂવા ગામના અંબાલાલભાઇ પદમાણીએ કરેલી લેખિત ફરિયાદ-અરજી બાદ એકબાજુ રેન્જના વડાએ સમગ્ર કેસની તપાસનો પ્રગતિ અહેવાલ મગાવ્યો છે તો બીજીબાજુ આ કેસની છાનબીન ફોજદાર શ્રી પટેલ પાસેથી લઇને હવે તપાસ એ. ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર એ.એલ. મહેતા સંભાળે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.  દરમ્યાન આ બાબતે ઇન્સ્પેકટર શ્રી મહેતાનો સંપર્ક કરતાં તેમણે તપાસનો હવાલો તેમને સોંપાયો હોવાને સમર્થન આપ્યું હતું. કેસની તપાસ ચાલુ હોવાની વિગતો તેમણે આપી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer