શહીદોના પરિજનોને રૂા. 11,11,111ની સહાય

શહીદોના પરિજનોને રૂા. 11,11,111ની સહાય
ભુજ, તા. 17 : જિલ્લામાં સૌથી વધુ અનુયાયી ધરાવતા અને દેશ જ નહીં વિદેશમાં પણ બહોળો સંપ્રદાય ધરાવતા અને કચ્છ પરની કુદરતી હોય કે માનવસર્જિત હોય તમામ આફતો વખતે તન, મન અને ધન સાથે સેવામાં અગ્રેસર રહેતા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે પુલવામાના શહીદોના આત્માની શાંતિ અર્થે તથા તેમના પરિવારજનો પર આવી પડેલી દુ:ખની ઘડીઓ જલ્દીથી શાંતિમાં પરિવર્તિત થાય તેવા શુભ આશયથી શ્રદ્ધાંજલિસભાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ ધોરણે હરિભક્તો જોડાયા હતા. મંદિર વતી મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ ધૂન અને મૌન બાદ વીરગતિ પામેલા શહીદોના પરિવારજનો માટે રૂા. 11,11,111ની જાહેરાત કરી હતી. સાથોસાથ પોતાના વિશાળ પરિવારને પણ હાકલ કરી હતી કે શહીદો માટે આગળ આવે. ભુજ સ્થિત નવનિર્મિત નરનારાયણ દેવની ઐતિહાસિક મૂર્તિઓ સાથે શોભતા સ્વામિનારાયણ મંદિરે સાંજથી જનસમૂહ ઊમટવા મંડયો હતો. મહંત પુરાણી ઉપરાંત પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ અને મોટી સંખ્યામાં સંતો, સાંખ્યયોગિનીઓ, હરિભક્તોની ઉપસ્થિતિમાં શહીદોની શ્રદ્ધાંજલિ સભા શરૂ થઈ હતી. પ્રથમ દિવંગતોના આત્માની શાંતિ અર્થે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. પછી એક-એક જણના હાથે દીપ સાથે ભારે હૃદયે અને દુશ્મનો પ્રત્યે ભારોભાર ગુસ્સા સાથે અંજલિ અપાઈ હતી. મહંત સ્વામીએ આ ઘટના પ્રત્યે અત્યંત દુ:ખની લાગણી વ્યક્ત કરી અને શહીદોના આત્માની શાંતિ તેમજ પરિવાર પર આવી પડેલું આઘાતજનક દુ:ખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શહીદ પરિવારોને સહયોગરૂપે મંદિર દ્વારા રૂા. 11,11,111ની જાહેરાત કરી હતી. તમામ મંદિરોમાં પ્રાર્થના તથા આર્થિક સહયોગ માટે પૂજ્ય મહંત સ્વામી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જાદવજી ભગત દ્વારા શ્રદ્ધાંજલિ આપતાં સરહદ પરના સૈનિકોની સ્થિતિની પણ ચિંતા પ્રગટ કરવામાં આવી તેમજ ભુજ મંદિર હરહંમેશ રાષ્ટ્ર કાજે ખભેખભા મિલાવી ઊભું રહેલું છે અને રહેશે એવો ભાવ વ્યક્ત કરાયો હતો. કોઠારી સ્વામી નારાયણમુનિદાસજીએ શાત્રોના ઉદાહરણ આપી સદ્ગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મંદિરના હરિભક્ત મહેશભાઈ ઠક્કર અને અરજણભાઈ પિંડોરિયાએ પણ પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. સભાનું આયોજન કોઠારી સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજી, કોઠારી પાર્ષદ ખીમજી ભગત દ્વારા અને સભા સંચાલન પ્રવીણ પિંડોરિયા દ્વારા થયું હતું. ટ્રસ્ટી મંડળ, નરનારાયણ દેવ યુવક મંડળનો સહયોગ હોવાનું કોઠારી સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer