ઇસ્લામમાં આતંકને કોઇ સ્થાન નથી

ઇસ્લામમાં આતંકને કોઇ સ્થાન નથી
ભુજ, તા. 17 : જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા તથા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પ્રગટ કરવા અત્રે મુંદરા રોડ ખાતે વ્હોરા કોલોની મસ્જિદ કોમ્પ્લેક્ષમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ વ્હોરા સમાજના આમીલ સાહેબ અલી અસગરભાઇના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ ભાજપા પ્રમુખ કેશુભાઇ પટેલ, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, આદમભાઇ ચાકી, અમીરઅલી લોઢિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીરમામદ કુંભાર, સહદેવસિંહ જાડેજા, વૃન્દાવનનગર વાયડા સમાજ તા.પ્રમુખ ભરત શાહ અને મંત્રી ભરતભાઇ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આમીલ સાહેબે તેમના ઉદબોધનમાં શ્રદ્ધાંજલિ આપી આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યને વખોડી કાઢયું હતું. આવા આતંકવાદીઓ જે નિર્દોષ લોકોને મારે છે તે સમગ્ર માનવજાતની હત્યા કરે છે અને આવા આતંકવાદીઓને ઇસ્લામમાં કોઇ સ્થાન ન હોવાનું કુરઆનમાં જણાવાયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડા અને ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે પણ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી દેશમાં આ બનાવના કારણે ખૂબ દુ:ખ અને ગુસ્સાની લાગણી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વિનોદભાઇ ચાવડાએ પોતાના એક માસનો પગાર તથા આદમભાઇ ચાકીએ રૂા. દસ  હજાર જવાનોના પરિવારને મદદરૂપે જાહેર કર્યા હતા. અમીરઅલી લોઢિયા અને રાજેન્દ્રસિંહ જાડેજાએ વીર જવાનોની કામગીરીને બિરદાવી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શ્રદ્ધાંજલિ સભાનું સંચાલન પ્રો. સૈફુદીન કુંદનપુરવાલાએ કર્યું હતું તથા અબ્બાસ અંતરિયા, શબ્બીર માંડવીવાલા, મોઇઝ મુંદરાવાલા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.વ્હોરા સમાજ તથા વાયડા સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer