13 યુગલના પ્રભુતામાં પગલાં : 38 બટુકે જનોઇ ધરી

13 યુગલના પ્રભુતામાં પગલાં : 38 બટુકે જનોઇ ધરી
વસંત અજાણી દ્વારા
ભુજ, તા. 17 : અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને ભુજ જ્ઞાતિ આયોજિત 38મા સમૂહલગ્ન અને યજ્ઞોપવીત સમારોહ ભુજ આર.ટી.ઓ. રિલો. સાઇટ સ્થિત માતા મુક્તાબેન ઉમિયાશંકર રાજગોર સમાજવાડીના પટાંગણમાં રંગેચંગે ઊજવાયા હતા. આ અવસરે તેર નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા હતા, જ્યારે 38 જેટલા બટુક પવિત્ર જનોઇ સંસ્કારવિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે માભોમની રક્ષા કાજે શહીદી વહોરનારા સૈનિકોના પરિવાર માટે બે લાખ એક હજાર એકત્રિત કરાયા હતા. લગ્નવિધિ પ્રારંભે સમાજરત્ન રેવાશંકરભાઇ નરભેરામ માકાણી (દેવકૃપા)એ દીપ પ્રાગટય કર્યું હતું. પૂજાની સામગ્રી ખરાશંકર ગોર (નાકર) દ્વારા અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે સત્કાર સમારોહમાં ઉપસ્થિત સાંસદ વિનોદભાઇ ચાવડાએ નવદંપતીઓને સુખમય દામ્પત્ય જીવનની શુભકામના સાથે સમાજ વિકાસના કાર્ય અર્થે રૂા. પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી હતી, જ્યારે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે છેલ્લા ચાર દાયકાથી સમૂહલગ્નનું આયોજન કરતા રાજગોર સમાજના સમર્પિત સેવકોની પ્રશંસા કરી હતી. સમૂહલગ્નની તૈયારી દરમ્યાન સમાજના અગ્રણીઓએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવા એક અલગ કાઉન્ટર રાખ્યું હતું, જેમાં જ્ઞાતિબંધુઓએ દેશદાઝનો દૃષ્ટાંત બેસાડી રૂપિયા બે લાખ એક હજાર જેવી માતબર રકમ લખાવી હતી. સમૂહલગ્નની પૂર્વસંધ્યાએ કલાકારો નીલેશ ગઢવી, અલ્પાબેન પટેલ અને રસિક મારાજ સહિતના લોકડાયરામાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ સાથે વીરરસભર્યા દેશભક્તિના ગીતો રજૂ કરાયા હતા. સાંસ્કૃતિક સમિતિના સમાજ અગ્રણી રાજેશ ગોર અને રાહુલ મોતાની આગેવાની હેઠળ સંતવાણીમાં પણ ભજનપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ઘોર કરીને સમાજ વિકાસકાર્યમાં સહયોગ આપ્યો હતો. સમારોહમાં મહાપ્રસાદના દાતા માતા મમીબાઇ વેલજી નારાણજી નાગુ ગામ બિદડાની પુત્રીઓ સ્વ. લક્ષ્મીબેન ભાઇલાલ નાકર, સ્વ. મુકતાબેન ઉમિયાશંકર નાકર અને સ્વ. કાશીબેન દયારામ મોતા સમગ્ર પરિવારનું વિશેષ બહુમાન કરાયું હતું. આર.ટી.ઓ સમાજવાડીમાં નૂતન ભોજનકક્ષનું બાંધકામ કરાવી આપનારા ઊર્મિલાબેન સુરેશભાઇ જોશી હ. શૈલેશ દયારામ મોતા, ત્ર્યંબકેશ્વર પાર્ટી પ્લોટના દાતા સરસ્વતીબેન રતિલાલ માકાણી પરિવાર, પ્રવેશદ્વારના દાતા કાશીબેન દયારામ મોતા હ. પરિવાર, અન્નપૂર્ણાઘરના દાતા શાંતાબેન વૃજલાલ બાવા, જલધારાના દાતા રમીલાબેન પ્રફુલ્લ જોશી, ભુજ રાજગોર સમાજના ભૂતપૂર્વ સેવારત પ્રમુખ કેશવ કે. ગોર, વસંત એચ. અજાણી, ભગવાનજીભાઇ કે. માકાણી અને કાંતિલાલ એસ. ઉગાણીને સન્માનિત કરાયા હતા. સમૂહલગ્ન પ્રસંગ ઉજવણી અર્થે રેવાશંકર માકાણી રૂા. 1,11,111, માતા વિજયાબેન વીરજી પેથાણી, રમેશભાઇ માધવજી દેવલાલી, નીરુબેન ચંદ્રકાંત વિઠ્ઠા, મીઠાબાઇ શંકરજી ઉગાણી હ. પુષ્પાબેન ઉગાણી, શૈલેશભાઇ એમ. આશારિયા, નિરુપમાબેન બંસીલાલ માલાણી, માતા વેલબાઇ લક્ષ્મીશંકર નાકર પરિવાર, સ્વ. હિંમતલાલ વી. જોશી પરિવાર, સ્વ. વિશનજી સી. રાજગોર (હાલોલ)ના દરેક દાતાના રૂા. 51,000 ભેટ સ્વરૂપે અર્પણ કરાયા હતા. તદ્ઉપરાંત રૂા. 5,100થી લઇને રૂા. 25,000 સુધી મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ ફાળો નોંધાવ્યો હતો. સોના-ચાંદી, ઘરવખરી, પહેરામણી, કબાટ, કપડાં વિ.ના દાતાઓએ દાયજામાં કન્યાઓને સામગ્રી આપી હતી. સમાજના કલાકાર પ્રવીણ ગોર (સૂરસંગમ ઓરકેસ્ટ્રા) દ્વારા લગ્નગીત રજૂ કરાયા હતા. આ પ્રસંગે દેશ-દેશાવર સમાજના પ્રમુખો, જ્ઞાતિબંધુઓની સાથે કીર્તિ ગોર (સરપંચ-મસ્કા), કીર્તિ કેશવાણી (મહામંત્રી ભાજપ-મુંદરા), બ્રહ્મસમાજના અગ્રણી રવિ ત્રવાડી (મંત્રી ગુજરાત કોંગ્રેસ), ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, પૂર્વ નગરપતિ બાપાલાલ જાડેજા, સમસ્ત બ્રહ્મસામજ પ્રમુખ-કચ્છ અનિલ જોશી, ભાનુપ્રસાદ (માનસ હનુમાનધામ, કટારિયા), સંજય જોશી (એસ.ટી. નિગમવડા-સુરત), દિલીપ ગોર (રોટરી ચેરમેન), ગોપીબેન ત્રિવેદી (શિક્ષણવિદ્), કાંતિભાઇ ગોર (પૂર્વ કુલપતિ કચ્છ યુનિ.), કિરીટ સોમપુરા (પૂર્વ ચેરમેન ભાડા) સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહીને સામાજિક મેળાવડાને દીપાવ્યો હતો. ભુજ સમાજ પ્રમુખ જનકરાય ગોર, ઉમિયાશંકર અજાણી (લેખક), સમૂહલગ્ન સમિતિના પ્રમુખ બંસીલાલ માલાણી, મંત્રી વિજય ગોર, ઉપપ્રમુખ તનસુખ જોશી, ચંદ્રકાન્ત ગોર, ટ્રસ્ટીઓ ભૂપેન્દ્ર માકાણી, ચંદ્રકાન્ત વિઠ્ઠાની આગેવાની હેઠળ સામજના હોદ્દેદારો, કારોબારીના સભ્યો, સમૂહલગ્ન સમિતિના કાર્યકર્તાઓ, મૂકસેવકોની ટીમે જહેમત ઉઠાવી હતી. સંચાલન હેતલ ગોર, દીપ્તિબેન ગોર, શિવશંકર નાકર, ઉર્વશીબેન બાવા વિ.એ કર્યું હતું. આભારવિધિ જનકરાય ગોરે કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સમાજની નવી સુવિધાના બાંધકામમાં સક્રિય સેવા બજાવતા શૈલેશ ગોર અને ધવલ અજાણીની સેવાની નોંધ લેવાઇ હતી. આગામી 39મા સમૂહલગ્ન મુંદરાના રાજગોર સમાજ દ્વારા મુંદરા ખાતે, જ્યારે 40મા લગ્ન સમારોહ માટે પશ્ચિમ કચ્છ-નખત્રાણા ખાતે આયોજનની જાહેરાત કરાઇ હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer