શહીદો પ્રત્યેની સંવેદનાથી સરહદી કચ્છ ગદ્ગદિત

શહીદો પ્રત્યેની સંવેદનાથી સરહદી કચ્છ ગદ્ગદિત
ભુજ, તા. 17 : કાશ્મીરના પુલવામા ખાતેના હિચકારા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા સી.આર.પી.એફ.ના 40 નરબંકાઓ પ્રત્યેની સંવેદનાથી સરહદી કચ્છ જિલ્લો ગદ્ગદિત છે. જિલ્લાના શહેરો-ગામડાઓમાં ખાસ કરીને યુવાનોની આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો બમણો જોશ પકડી રહ્યા છે. આ યુવાનધ દેશના વીરોના લોહીનો બદલો સજ્જડપણે લેવાય તેવા સૂત્રો સાથે રસ્તા પર ઊતરી રહ્યું છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના જાગૃતો, દેશપ્રેમીઓ પણ જોશભેર ઊમટી રહ્યા છે.


ભાજપ પરિવાર  શહીદાંજલિ 
કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રવિવારે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ટાઉન હોલ પાસે જિલ્લા ભાજપ દ્વારા દેશના આ વીર શહીદોને શહીદાંજલિ અર્પણ કરવા જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.  આ જઘન્ય ઘટના બાદ શહીદ જવાનોના પરિવારોને હૂંફ આપી તેમના વ્હાલસોયા સપૂતોની શહીદી એળે નહીં જાય એ સંદેશ રાષ્ટ્રની જનતા સુધી પહોંચાડવાનો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય હતો. સમગ્ર ભાજપા પરિવાર આ જવાનોના પરિવારની પડખે કાળની આ કપરી ઘડીએ ઊભો છે અને તેમના કુટુંબીજનોને સર્વે પ્રકારે સહાયરૂપ થવા કટિબદ્ધ છે. આ કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે શોકમગ્ન સ્વરે જણાવ્યું હતું કે, દેશવાસીઓની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર નરબંકા જવાનોની શહીદી પર સમગ્ર દેશ સાથે જિલ્લા ભાજપા પરિવાર પણ અત્યંત ઘેરા શોકની લાગણી અનુભવે છે તથા આ જવાંમર્દ જવાનોની અડગ દેશભકિત બદલ પ્રત્યેક દેશવાસી સાથે ભાજપનો એક એક કાર્યકર  સદાય ઋણી રહેશે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા આતંકવાદ સામેની લડાઈ સંપૂર્ણ ખાતમો નહીં થાય ત્યાં સુધી જારી રહેશે. કચ્છ લોકસભા સીટ ઈન્ચાર્જ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રાસિંહ જાડેજા, લોકસભા સીટ વિસ્તારક પ્રતાપભાઈ કોટક, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ ખંડોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીનભાઈ લાલન, ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ ભંડેરી,  ડો.રામભાઈ ગઢવી, મહિલા મોરચાના અધ્યક્ષ દિવ્યાબા જાડેજા, કે.ડી.સી.સી. બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, વ્યાપારી મંડળો તથા સામાજિક આગેવાનો તથા પ્રજાજનોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા જિલ્લા ભાજપ મંત્રી દિલીપભાઈ શાહ તથા ભુજ શહેર ભાજપના શીતલભાઈ શાહ, જયદીપાસિંહ જાડેજાએ સંભાળી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા : ઘટનાને અંજામ આપનારા આતંવાદીઓને પાઠ ભણાવવા ભારત સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી તેમજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે દિલશોજી વ્યકત કરી છે તેવું પ્રમુખ આમદભાઇ એ. જતે જણાવ્યું હતું. ભુજ પોલીસ હેડકર્વાટર પરિવાર  : કષ્ટ ભંજન હનુમાન મંદિર સંત્સગ મંડળ દ્વારા રાત્રે સંતવાણી દરમ્યાન મૃતક જવાનોના આત્માની શાંતિ અને તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરાઇ હતી આર.એસ.આઇ. આર બી ગાગલ, એ.ડી. જાડેજાના નેજા હેઠળ પીએસઆઇ આર.ડી. ગોહિલ, એ એસ આઇ જમનાદાસ ફફલ, રમેશભાઇ જોશી, શૈલેશભાઇ, આનંદ કુમાર યાદવ, ઇસ્માઇલખાન પઠાણ વગેરેએ અંજલિ આપી હતી ભજનીકો ચમનલાલ સોલકી, રણછોડજી માસ્તર, ઇસ્માઇલ મીર, કાદરભાઇ મીર, અરવિંદભાઇ બારોટ, જાદવજીભાઇ ગણત્રા, દિલીપભાઇ બારોટ, રવિનાબેન ગણાત્રા, લીલાધરભાઇ ભાવસાર, ધનસુખભાઇ પટેલ વગેરેએ ભજનો રજૂ કર્યા હતા.


ભુજ પાલારા જેલ સંકુલમાં સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
ભુજ સાઈકલિસ્ટો દ્વારા :  હમીરસર તળાવ પાસે ગાંધીજીની પ્રતિમાથી ખાવડા રોડ પર રક્ષક વન થઇને લોરિયા ચેક પોસ્ટ સુધી 44 કિ.મી. મૌન સાઈકલીંગ કરીને પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને ઘાયલ સૈનિકો ઝડપથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી હતી. આયોજન શૈલેન્દ્ર રાવલ, ડો. વિષ્ણુ ચૌધરીએ કર્યું હતું. રક્ષક વનની આસપાસ રહેતા, લોકો બહારથી આવતા સિનિયર સિટીઝન, પર્યટકો તેમજ રક્ષક વનના કર્મચારીઓ પણ જોડાયા હતા. સાઈકલિસ્ટોએ જવાનોના પરિવાર જવાનોને રૂ 11,000નું અનુદાન આપવાનું નક્કી કર્યું હતું. સાઈકલીંગમાં આર્મી કર્નલ મનજીતસિંહ તેમના બે સાથી, આર્મી કર્નલ તેજસભાઇ પાઠક, અમરદીપસિંઘ સચદે, જતીન મોરબિયા, હર્ષ વૈદ્ય, તેજ વૈષ્ણવ, મિલન ધામેચા, ભાવેશભાઇ દવે, સુનીલભાઇ મહેશ્વરી, નરોત્તમભાઇ પોકાર વગેરે જોડાયા હતા.ભુજના તેરાપંથ યુવક પરિષદ દ્વારા વીર જવાન ર્શોર્ય સ્મૃતિ સભા યોજાઇ : અ.ભા. તેરાપંથ યુવક પરિષદ દ્વારા સમસ્ત ભારતમાં એક સાથે 300થી વધુ શહેરોમાં જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. રવિવારે સવારે ભુજના જૈન વંડામાં નવકાર મંત્ર બાદ લોગ્ગસ ધ્યાન અને શહીદોની આત્માંની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, પાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, રૂલ્સ એન્ડ બાયો સમિતિના રેશ્માબેન ઝવેરી, ફકીરમામદભાઇ, અનવરભાઇ નોડે, સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ, યુવક મંડળોએ શ્રદ્ધાંજલિ સાથે આક્રોશ પણ વ્યકત કરીને આતંકવાદ સામે નક્કર પગલાં ભરવાની સરકારને વિનંતી કરી હતી. યુવક પરિષદ વતીથી 51000 રૂપિયા દાનની અધ્યક્ષ ભરતભાઇ મહેતા દ્વારા જાહેરાત કરાઇ હતી. સંચાલન મંત્રી આશિષ બાબરિયાએ કર્યું હતું તેવું મહેશભાઇ મહેતાની યાદીમાં જણાવાયું હતું. લોહાણા મહિલા મંડળ : પ્રમુખ કમલાબેન ઠક્કર, મંત્રી જયોતિબેન પવાણી, ખજાનચી મમતાબેન વી. ઠક્કર, રૂક્ષ્મણીબેન જોબનપુત્રા, લતાબેન તન્ના, મધુબેન ઠક્કર, લતા કોઠારી, જયાબેન ઠક્કર તથા અન્ય સભ્યોએ પણ વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તૃપ્તિબેન ઠક્કરે `અય મેરે વતનકે લોગેં જરા આંખમે ભર લો પાની' ગીત ગાઇને શ્રદ્ધાંજલિ આપી હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, રફીક બાવા, આનંદ રાયસોની, દીપેશ શાહ, પ્રવીણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વીર જવાનોને અંજલિ આપી હતી. ભુજ તાલુકાના સરસપર ગામે સામૂહિક પ્રાર્થનાસભામાં ગામના દરેક જણે ઉપસ્થિત રહી શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરપંચ વાલજીભાઇ બતાએ આયોજન સંભાળ્યું હતું. ડગાળા ગામમાં પણ શ્રદ્ધાંજલિસભા યોજાઇ હતી. અગ્રણીઓ દાનાભાઇ વરચંદ, માવજીભાઇ ઢીલા, માવજીભાઇ સાહિત્યકાર વિગેરેએ શબ્દાંજલિ અર્પણ કરી હતી. માંડવી : વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રચાર-પ્રસાર સમિતિ દ્વારા ભુજમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતાં સંસ્થાના અધ્યક્ષ એડવોકેટ રાજેશભાઇ ભટ્ટે જણાવ્યું કે, આતંકવાદી અને તેને સહાય કરતા ભારતના ગદ્દારોનો કાયમી નિકાલ થવો જરૂરી છે અને તે માટે ભારત દેશને સંપૂર્ણપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જરૂરી છે. ઉપપ્રમુખ ડી. કે. પંચાલ, ડી. કે. મહેતા, મહામંત્રી મહેશભાઇ ઓઝા, ખજાનચી અરવિંદભાઇ જેઠવા, સદસ્ય શિવજીભાઇ ભુદા ફોફંડી, જિગરભાઇ બાપટ, આનંદભાઇ વ્યાસ, અનિલભાઇ સાગર, કેતનભાઇ સોની, દીપકભાઇ સોનાઘેલા, હરેશભાઇ વેલાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુંદરા : બારોઇ રોડથી રેલી નીકળી હતી, જેમાં દેશભક્તિના ગીતો દ્વારા શહીદોને વીરાંજલિ આપવામાં આવી હતી. પાકિસ્તાન મુર્દાબાદ તથા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કહ્યું હતું કે, હવે પાકિસ્તાનને સીધી લીટીમાં જવાબ આપવાનો વારો આવી ગયો છે. રેલી બસ સ્ટેશન પહોંચી ત્યારે સેંકડો દેશપ્રેમીઓની ઉપસ્થિતિમાં આતંકવાદીનું પૂતળું સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. બે મિનિટ મૌન રાખી બાદમાં શહીદોને પુષ્પ વડે શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ ટાંકણે ધમભા, કાનાભા રાણા, રમેશસિંગ રાજપૂત, હિતુભા રાણા, શિવમ ગ્રુપ તથા બારોઇ ગ્રુપના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા : સ્વામિનારાયણ મંદિરે વેપારી મંડળ દ્વારા કેન્ડલ લાઇટ પ્રાર્થનાસભામાં શ્રદ્ધાંજલિ અપાઇ હતી. મથલ ગુરુકુલના સંતો પ્રભુજીવન સ્વામી, જયકૃષ્ણ સ્વામીના સાંનિધ્યમાં વેપારી મંડળના પ્રમુખ હીરાલાલ સોનીએ કેન્દ્ર સરકાર આતંકવાદનો ખાત્મો બોલાવે તેવી માંગ કરી હતી. હેમેન્દ્રભાઈ કંસારા, લક્ષ્મણભાઇ કોરડિયા, એડવોકેટ કાંતિભાઇ ઠક્કર, અરવિંદભાઇ સચદે, રમેશભાઇ રૂપારેલ, નીતેશભાઇ સોની, નારાણભાઇ પરમાર, નીલેશ બાવળે શ્રદ્ધાંજલિ આપી હતી. ધનજીભાઇ, પ્રફુલ્લભાઇ, નવીનભાઇ કટ્ટા, અનિલભાઇ કટ્ટા, મિતાંશુ પિત્રોડા તેમજ મહિલાઓએ પ્રાર્થનારૂપે અંજલિ આપી હતી. નખત્રાણા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા શહીદોના આત્માની શાંતિ માટે મૌન પાળ્યું હતું. મામલતદાર એ. પી. ઠક્કર, નાયબ મામલતદાર કે. એલ. ગોસ્વામી, એમ. એમ. પલણ, સંજયભાઇ પરીખ, રામજીભાઇ બોકુલિયા, પૂજા ડાભી, પ્રવીણ ઠાકોર, કિરણભાઇ જેપાલ તેમજ સમગ્ર કચેરીનો સ્ટાફ, રેવન્યૂ તલાટીઓ હાજર રહ્યા હતા. નલિયા : દારૂલ ઉલૂમ ફૈઝાને ગુલશને મુસ્તફા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી તકીશા બાવાના પ્રમુખપદે વિવિધ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા શહીદીના ગીતો રજૂ કરાયા હતા. લિયાક્તઅલી આગરિયાએ જણાવ્યું કે, શહીદો સવાસો કરોડ દેશવાસીઓના સંબંધી હતા. હાજી અબ્બાસ ખત્રીએ આવા હીન કૃત્યને વખોડવાલાયક ગણાવી હિન્દુસ્તાનની જનતાને આઘાત લાગ્યો છે તો તેનો બદલો ભારત સરકાર લે તેવી માંગ કરી હતી. રફીકભાઇ ખલીફા, ઇસ્માઇલ ખલીફા, મૌલાના ગુલામ મુસ્તફા, હાજી તકીશા બાવાએ પણ દુ:ખ વ્યક્ત કરી જણાવ્યું કે, સૈનિકોના ફંડ માટે એક-એક રૂપિયો ભેગો કરી ફંડ મોકલાવીએ. સંચાલન ઇબ્રાહીમશા બાવાએ કર્યું હતું. વ્યવસ્થા અહમદ રજાએ સંભાળી હતી. આભારવિધિ હાજી બાવાએ કરી હતી. આગેવાનો સલીમ મેમણ, ગુલામભાઇ, રફીકભાઇ, અબ્દુલભાઇ ગજણ, દાઉદ ભજીર, મજીદ મેમણ, હાજી યાકબ સાટી, અલીભાઇ, નશીબશા બાવા, કાસમશા, હૈદરશા બાવા તેમજ વિવિધ આગેવાનો તથા મદરેસાના  વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર : સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા અનવરશા બાપુ સૈયદ, ત્રિકાલદાસ બાપુ, હાજી ઇસ્માઇલ પણકા, મામદભાઇ નોડે, ચાંદાજી સમા, જાનખાન બલોચ, હુસેનશા શેખ, રસુલભાઇ ચૌહાણ, રમજુભાઇ ઘાંચી, હાજીભાઇ, લાલમામદ રાયમા વગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer