સામાન્ય વ્યક્તિ કરતાં પ્રજ્ઞાચજ્ઞુઓ માટે કોમ્પ્યુટરનું વિશેષ મહત્ત્વ હોવાથી નેત્રહીનો ખાસ શિક્ષણ લે

સામાન્ય વ્યક્તિ કરતાં પ્રજ્ઞાચજ્ઞુઓ માટે કોમ્પ્યુટરનું વિશેષ મહત્ત્વ હોવાથી નેત્રહીનો ખાસ શિક્ષણ લે
ભુજ, તા. 17 : નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ શાખા દ્વારા દાતાઓ, વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ કોમ્પ્યુટર લેબના દાતા ડો. નીતિનભાઇ સુમંત શાહનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ 2 મિનિટ મૌન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ડો. નીતિનભાઇ સુમંત શાહના અધ્યક્ષપણા નીચે દીપ પ્રાગટય સાથે કાર્યક્રમની શરૂઆત થઇ. સંસ્થાના પ્રમુખ અભયભાઇ શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સંસ્થા વિશે માહિતી આપતાં સંસ્થાના મંત્રી મનોજભાઇ જોશીએ ભવિષ્યમાં અંધજનો માટે ગ્રામીણ સ્વરોજગાર યોજના ચલાવવાની તેમજ મળેલી જમીન પર મકાન બાંધવા સહાય માટે અપીલ કરી હતી. આ પ્રસંગે વર્ષ દરમ્યાન સંસ્થાને સખાવત કરનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં મનીષાબેન પટેલ, કમલેશભાઇ સંઘવી, એમ. કે. વ્યાસ ઉપસ્થિત હતા. અખિલ હિન્દ અંધધ્વજ દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ ફાળો આપનારા ભુજ ઇંગ્લિશ સ્કૂલ અને સિનુગ્રા પ્રાથમિક શાળા અંજારને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. પ્રતિભાવાન ખેલ મહાકુંભ 2018ના વિજેતા દિવ્યાંગ ખેલાડીઓ તેમજ લુઇ બ્રેઈલની જન્મજયંતી નિમિત્તે યોજવામાં આવેલી નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સંસ્થાના ખજાનચી પ્રકાશ ગાંધી તથા સહખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કારોબારી સભ્ય દેવાંગ ડી. ગઢવી, શંકરભાઇ મારૂ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી ભુજ એ.પી. શ્રી રોહડિયાએ દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે કામ કરતી એન.એ.બી.-ભુજને બિરદાવી હતી. રાજ્ય શાખાના ડેવલપમેન્ટ મેનેજર તારક લુહારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત સરકારી અંધશાળા ભુજનું સંચાલન એન.એ.બી.-ભુજને આપવાની હિમાયત કરી હતી. જે.ટી. પંચાલ (મેનેજર અંધજન મંડળ-અમદાવાદ)એ અધ્યક્ષ ડો. નીતિનભાઇ શાહનો પરિચય આપ્યો હતો. અંધજનો માટેની કોમ્પ્યુટર લેબને આ પ્રસંગે દાતા હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન અને એન.એ.બી. ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ જાણીતા સખાવતી ડો. નીતિનભાઇ શાહે ખુલી મૂકી હતી. પ્રજ્ઞાચક્ષુ અલીભાઇ લુહારે કોમ્પ્યુટરની ઉપયોગિતા સામાન્ય વ્યક્તિઓ કરતાં પ્રજ્ઞાચક્ષુઓને વિશેષ છે તેમ જણાવી કોમ્પ્યુટર શિક્ષા પર ભાર મૂકયો હતો. આ પ્રસંગે ડો. શાહે વધુ ત્રણ કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર શિક્ષક માટેના એક વર્ષના પગાર માટે   રૂા. 60,000 આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ રૂા. 1,00,000 આપી કોમ્પ્યુટર લેબ શરૂ કરાવનારા દાતા એવા શ્રી શાહે વધુ રૂા. 1,25,000ની સહાય જાહેર કરી હતી. આ પ્રસંગે અગ્રણી નાગરિકો અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન સંસ્થાના સહમંત્રી દેવાંગ એ. ગઢવીએ કર્યું હતું. સંચાલન હેતલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનમાં જગદીશકુમાર તુરી, હીરાલાલ તુરી તેમજ સંસ્થાના ધ્રુવ આહીર સહયોગી રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer