કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં અપાશે મફત નેત્રચિકિત્સા

કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં અપાશે મફત નેત્રચિકિત્સા
ભુજ, તા. 17 : સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં તબીબી સેવા ઉપલબ્ધ નથી તેવા લોકોને સ્થાનિકે જ આરોગ્ય સુવિધા મળી રહે તેવા ઉમદા ઉદેશ સાથે અહીંના એ.કે. મોડેસરા જનકલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા `અમૃતકમલ' ફરતા આંખના દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. આ ફરતા દવાખાના માટે માતાના મઢ જાગીર ટ્રસ્ટ તરફથી રૂા. 10 લાખના સાધનોની ભેટ પણ અપાઈ હતી. રવિવારે ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાયેલા ફરતા દવાખાનાના લોકાર્પણ પ્રસંગે બોલતાં જાગીર ટ્રસ્ટના પ્રવીણસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, એ.કે. મોડેસરા જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ફરતા દવાખાના માટે જરૂરી સાધનોની દરખાસ્ત કરવામાં આવતાં ટ્રસ્ટ દ્વારા બેઠક બોલાવી ગ્રામ્ય લોકોની સુવિધા અર્થે તાત્કાલિક નિર્ણય લેવાયો હતો અને રૂા. 10 લાખ ફાળવવામાં આવ્યા હતા. એ.કે. મોડેસરા જનકલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત `અમૃત કમલ' ફરતા દવાખાનાના ટ્રસ્ટી ડો. અતુલ મોડેસરાએ ફરતા દવાખાના વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટને માનવજ્યોત સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી ત્યારબાદ માતાના મઢ જાગીર ટ્રસ્ટ સમક્ષ આંખ તપાસણીના સાધનોની ટહેલ નખાતાં તેમણે આ સાધનો માટે રૂા. 10 લાખ ફાળવ્યા હતા. તેમ જરૂર પડ્યે જાગીર ટ્રસ્ટ દવાઓ પણ આપશે તેવું જણાવાયું હતું. તેમણે જણાવ્યું કે, આ ફરતું દવાખાનું દર સોમવારે નખત્રાણા તાલુકામાં દેશલપર, નખત્રાણા રવાપર, નેત્રા, મંગળવારે સવારે માતાનામઢ, દયાપર, ઘડુલી, વર્માનગર (પાનધ્રો), બુધવારે અબડાસાના વાયોર, નલિયા, કોઠારા, મોથાળા, ગુરુવારે ભુજ તાલુકાના બન્ની, ખાવડા, કુકમા, રતનાલ, ધાણેટી વગેરે ગામોમાં ફરી અદ્યતન સાધનો વડે આંખના ચશ્માંના નંબર, મોતિયાની તપાસ, પડદાની તપાસ, ઝામર તેમજ આંખના તમામ રોગોની તપાસ અને નિદાન કરાશે. આ તમામ ગામોમાં સરકારી પી.એચ.સી. અને સી.એચ.સી. ખાતે આ વાહન ઊભું રહેશે. આ તપાસ દરમ્યાન માત્ર ટોકન ચાર્જ લેવામાં આવશે. ફરતા દવાખાના દ્વારા આવકના સ્રોત ઊભા કરવા દર શનિવારે દાતા તરફથી શુભ પ્રસંગોએ કેમ્પનું પણ આયોજન કરાશે. દર્દીઓના મોતિયાના ઓપરેશન આયુષ્માન ભારત યોજના હેઠળ તેમજ કાર્ડ વિનાના જરૂરતમદોને મફત ઓપરેશન કરી અપાશે તેમ આ ફરતા દવાખાનામાં સરકાર માન્ય  તબીબો જ તપાસ કરી આપશે. પ્રારંભે પુલવામાના શહીદોને અંજલિ અપાઈ હતી. આ પ્રસંગે માતાના મઢ જાગીર ટ્રસ્ટના ખેંગારજી જાડેજા, ભૂતનાથ સેવા ટ્રસ્ટના નરેશ પરમાર, શૈલેશ જાની, કીર્તિ ઠક્કર, ભરત દવે, જીતુભાઈ જોશી, દીપક રાઠોડ (પૂજારી) સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અજિત પરમારે કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer