કચ્છને નર્મદાનાં નીર આપવામાં કરાતા અન્યાય સામે અદાલતમાં જવાની ચીમકી

કચ્છને નર્મદાનાં નીર આપવામાં કરાતા અન્યાય સામે અદાલતમાં જવાની ચીમકી
ભુજ, તા. 17 : કચ્છના પ્રાણપ્રશ્ન નર્મદાનાં નીર આપવાની સરકારની નકારાત્મકતા દેખાય છે, મોડકુબા સુધી પાણી પહોંચાડવાની વારંવારની રજૂઆત છતાં જમીન સંપાદનના નામે વિલંબ થાય છે. કચ્છ બ્રાંચ કેનાલને લંબાવવા બજેટમાં કોઇ જોગવાઇ કરાઇ નથી તેવું આજે ભુજમાં કચ્છ અસ્મિતા મંચ આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ બાબુભાઇ મેઘજી શાહે જણાવી ઉમેર્યું હતું કે દશે તાલુકાને પાણી મળે તેવી માંગ છે. નર્મદાના પાણી પ્રશ્ને જરૂર જણાયે અદાલતમાં જવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી. આવતા ચોમાસા પહેલાં નર્મદા કેનાલના કામ પૂર્ણ થાય તેવી માંગ કરતાં શ્રી શાહે યાદ અપાવી કે પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે દરિયામાં જતા નર્મદાના પૂરના પાણી ઉપર કચ્છનો અધિકાર હોવાનું સ્વીકાર્યું હતું. તે 30 લાખ હેકટર ફુટ પાણીમાંથી 10 લાખ હેકટર ફૂટ આપવાની પણ સરકારની ઇચ્છા નથી, આ બાબત સરકાર પાસે કબૂલ કરાવવી છે. કચ્છમાં સૂરજબારીથી આવતું પાણી માથા દીઠ 100 લિટર મળી શકે તેમ હોવા છતાં અમુક ગામોમાં મહિનામાં એકવાર અપાય છે. તો બાકીનું પાણી જાય  છે કયાં, ચોરી ન થાય તે જોવાની જવાબદારી જેડબલ્યુઆઇએલ સેલ અને પાણી પુરવઠાની છે. આ માટે સરકાર પાસે પૂર્વ કલેકટર એમ. થેન્નારસને ઓડિટ રિપોર્ટ કરાવ્યો તેના 10 લાખમાંથી પાંચ લાખ ચૂકવી દીધા છતાં અહેવાલ આવ્યો નથી. મહારાષ્ટ્રના નર્મદા ડેમની ઊંચાઇ વધારવાના વિરોધ છતાં ટ્રિબ્યુનલે સ્પષ્ટ ચુકાદો આપ્યો, કચ્છને પાણી પહોંચાડવા 437 ફુટની ઊંચાઇ મળી, 121 મીટર ઉપર ઓવરફલોનું પાણી લેખાવું જોઇએ, 117 મીટર થઇ જતાં હવે કચ્છને પાણી નહીં મળે તેવા સરકારના નિર્ણયેનો વિરોધ કર્યો હતો. વાજપેયી સરકારે 600 કરોડ અને મનમોહનસિંહે 7 હજાર કરોડ રાજ્યને ફાળવ્યા છતાં પાણી કેમ પહોંચ્યું નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં શશીકાંતભાઇ ઠક્કર, રત્નાકરભાઇ ધોળકિયા, અમીરઅલી લોઢિયા, દિનેશભાઇ ગોહિલ, રવીન્દ્રભાઇ ત્રવાડી, પ્રજ્ઞેશ જે. ચોથાણી, શશીકાંત એન. પટેલ, અજિતભાઇ સાધુ, શૈલેશભાઇ જોશી, હરેશભાઇ પુરોહિત, રાજેશભાઇ ગઢવી, રૂપાભાઇ ચાડ, જબ્બરદાન ગઢવી, યોગેશ ચારણિયા, હંસરાજભાઇ ધોળુ, ભંવરલાલ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer