કંડલા ઝોનના પાછળના ભાગે એકાએક આગથી દોડધામ

કંડલા ઝોનના પાછળના ભાગે એકાએક આગથી દોડધામ
ગાંધીધામ, તા. 17 : કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર વિસ્તારમાં આજે સવારે એકાએક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી હતી. દરમ્યાન, અવારનવાર ઝોનમાં બનતા આગના બનાવમાં કોઈ ષડ્યંત્ર હોવાની આશંકા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આ  અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, કંડલા ઝોનના પાછળના ભાગે પડેલા કચરામાં સવારે 10 વાગ્યા પછીના અરસામાં કોઈ પ્રકારે આગ લાગી હતી. આ અહેવાલના પગલે ગાંધીધામ સુધરાઈ, ડી.પી.ટી., ઈ.આર.સી. સેઝ સહિતના 4 જેટલા ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો .અલબત્ત, સાંજના સમયે આ સ્થળે પુન: આગની જ્વાળાઓ દેખાતાં અગ્નિશામક દળે વધુ એક વખત આગ પર વિજય મેળવવા માટે પાણીમારો ચલાવ્યો હતો. કંડલા ઝોન દીવાલની પાછળ  કચરામાં લાગેલી આગનો ધુમાડો  દૂર-દૂર સુધી જોવા મળ્યો હોવાનું લોકોએ ઉમેર્યું હતું.  હાલ સંપૂર્ણ કાબૂ હોવાનું સંકળાયેલા વર્તુળોએ જણાવ્યુ હતું. ઝોનના પાછળના ભાગે અવારનવાર આગના બનાવો કેમ બને છે તેની તપાસ થવી જરૂરી હોવાનું જાણકારો કહી રહ્યા છે. આધારભૂત વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, ઝોનમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીઓ નવા નિયમ મુજબ 100 ટન માલમાંથી 50 ટન માલ બહાર કાઢી શકે છે. પ્લાસ્ટિકમાં નીકળતાં સ્ટિકર નકામાં હોય છે, તેના કોઈ પૈસા ઊપજતા નથી. અગાઉ તો કંપનીઓ દ્વારા ફેંકી દેવાતાં હતાં,  પરંતુ નવા નિયમમાં આ સ્ટિકરો  જો કંપની પોતે બહાર ફેંકે તો 50 ટન જે સારો માલ બહાર કાઢવાની છૂટ છે તેમાં તેની ગણતરી થઈ જાય. જો 20 ટન સ્ટિકર બહાર ફેંકે તો 30 ટન જ સારો માલ બહાર મૂકી શકે, જેથી ઝોનમાં કર્મીઓની સંડોવણીથી આ પ્રકારનો કચરો પાછળના ભાગે ફેંકી દેવામાં આવતો હોવાના આક્ષેપો ઊઠ્યા છે. આ અંગે તટસ્થ તપાસ થાય તેવી માંગ પ્રબળ બની છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer