લુણવા નજીક નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ ત્રણેક કલાકે મળ્યો

લુણવા નજીક નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ ત્રણેક કલાકે મળ્યો
ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના લુણવા નજીક નર્મદા કેનાલમાં મોઢું ધોવા જતાં પગ લપસી જતાં ભચાઉના જૂનાવાડાના તળશી રમેશ કોળી (ઉ. વ. 22) નામના યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં રહેનાર અને લુણવા પાસે ટ્રેક્ટર ચાલકનું કામ કરનાર તળશી આજે બપોરે બાઇકથી જઇ રહ્યો હતો. ટિફિન લઇને જનાર આ યુવાનના વાહનમાં પેટ્રોલ ખૂટી પડતાં તે નર્મદા કેનાલ પાસે ઊભો રહ્યો હતો તેવામાં બે લોકો ત્યાં આવ્યા હતા. આ યુવાનોએ પોતાના વાહનમાંથી પેટ્રોલ કાઢી તળશીને આપ્યું હતું. પેટ્રોલ કાઢવાની આ કામગીરી દરમ્યાન પેટ્રોલ ઊડીને તળશીની આંખમાં ગયું હતું અને તેને બળતરા થઇ હતી. તેવામાં આ યુવાન પોતાનું મોઢું ધોવા નર્મદા કેનાલમાં ઊતર્યો હતો અને અકસ્માતે તેનો પગ લપસી જતાં તે કેનાલમાં ડૂબી ગયો હતો. બપોરે પાણીમાં ગરકાવ થનાર આ યુવાનની શોધખોળ કરવા ગાંધીધામ ઇ.આર.સી.ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને 2-3 કલાક બાદ આ યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. યુવાનના અચાનક મોતના પગલે ભારે ગમગીની છવાઇ હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer