મહાજનનું મામેરું યોજના આશીર્વાદરૂપ બની

મહાજનનું મામેરું યોજના આશીર્વાદરૂપ બની
ભુજ, તા. 17 : ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંકુલમાં ભુજના જયેશકુમાર સોલંકીની પુત્રી હેન્સી સંગે ભુજ નિવાસી જયેન્દ્રભાઈ ધામેચાના પુત્ર ભાવિનના મહાજનનું મામેરું અંતર્ગત 226મા લગ્ન યોજાયા હતા. સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, સમાજમાંના નાનામાં નાના લોકોને મદદરૂપ રહેવા હંમેશાં કટિબદ્ધ છે. તેના અનુસંધાનમાં ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા સંચાલિત `મહાજનનું મામેરું' યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે પોતાની વ્હાલસોયી દીકરીના લગ્ન કરાવવા માટે આશીર્વાદરૂપ બની છે. આઠ વર્ષથી મહાજનનું મામેરું યોજના શરૂ કરી ત્યારથી અત્યાર સુધી 226મી દીકરીનું મામેરું કરવાનું સૌભાગ્ય સંસ્થાને પ્રાપ્ત થયું છે તેનો વિશેષ આનંદ છે.  આજના મોંઘવારીના જમાનામાં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો દીકરીના લગ્ન માટે ઊંચા વ્યાજે રકમ લે છે અને દીકરીના લગ્ન પૂરા થયા પછી માવિત્રોની આખી જિંદગી વ્યાજ ભરવામાં પૂરી થઈ જાય છે. ત્યારે સંસ્થા દ્વારા સંચાલિત મહાજનનું મામેરું યોજનાનો લાભ લઈ અને દીકરીના લગ્નની મૂંઝવણમાંથી મુક્ત થવા જણાવ્યું હતું. સહમંત્રી હિરેનભાઈ પાસડે અત્યાર સુધી થયેલા લગ્નોની વિગત આપી હતી. લગ્ન પ્રસંગે કન્યાને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી હતી. માતા લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, જ્યોતિબેન ગિરીશ છેડા પરિવાર, ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી પરિવાર, જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર પરિવાર, તુલસીભાઈ જોષી પરિવાર, વિશ્રામભાઈ નારાયણજી ચંદે પરિવાર, લીલમબેન ગાંધી પરિવાર, ઓધવજીભાઈ ચાંપશી પલણ પરિવાર, મનીષભાઈ મૂળજીભાઈ ભાટિયા પરિવાર, અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર, કમલેશભાઈ લક્ષ્મીચંદભાઈ જોષી પરિવાર, શીલાબેન કમલેશભાઈ જોષી પરિવાર, શૈલેશભાઈ લવજીભાઈ મજેઠિયા, વાઘેશ્વરી જ્વેલર્સ હસ્તે ગંગારામભાઈ મનજી અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા કન્યાને રૂા. 11,000ના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી મુકેશ છેડા, નરેશ શાહ, વિનોદ ગાલા, હીરાલાલ સૈયા, યુવા પાંખના પ્રકાશ દેઢિયા, સુરેન્દ્ર સાવલા, સખીવૃંદના ચેતનાબેન છેડા, અંજુબેન શાહ, પ્રીતિબેન ગાલા વગેરે હાજર રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer