માછીમારો દરિયામાં કોસ્ટગાર્ડના આંખ અને કાન બને

માછીમારો દરિયામાં કોસ્ટગાર્ડના આંખ અને કાન બને
મુંદરા, તા. 17 : ભારતીય તટરક્ષક સ્ટેશન મુંદરા દ્વારા જનસંપર્ક કાર્યક્રમની સાથેસાથે અદાણી ફાઉન્ડેશન તથા હોસ્પિટલ દ્વારા જાગૃતિ અને સામાન્ય રોગ નિદાન કેમ્પનું આયોજન મુંદરા જૂના બંદર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર આર.કે.પી.એસ. સિસોદિયાએ પોતાના વક્તવ્યમાં ઉપસ્થિત માછીમારોને જણાવ્યું હતું કે અમે તમારી સલામતી માટે છીએ. અમારા આંખ અને કાન દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઇઓ છે. કોસ્ટગાર્ડની રચના માછીમારોની રક્ષા અર્થે કરવામાં આવી છે. માછીમારોની સુવિધા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધલક્ષી પાકા શેડનું ઉદ્ઘાટન શ્રી સિસોદિયાએ રિબિન કાપીને કર્યું હતું. મુંદરા ઉપરાંત આસપાસના વિસ્તારના માછીમાર ભાઇઓની વસાહત વચ્ચે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન કરતા આસિ. કમાન્ડર નીતિન રાવતે કાર્યક્રમનો હેતુ સમજાવતાં કહ્યું હતું કે દરિયામાં છૂટી બોટ ન રાખો. નાની બોટને મોટા દરિયામાં ન લઇ જવી. બોટ ઉપર ત્રિરંગો લહેરાવવે, માછીમારનું બાયોમેટ્રિક કાર્ડ સાથે રાખવું, શંકાસ્પદ હિલચાલની અમને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવી સહિતની મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ પ્રસંગે મેડિકલ ઓફિસર નિશાકુમારી, આસિ. કમાન્ડર કોમલ મહિન્દુ અને કોસ્ટગાર્ડનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. લાઇફ જેકેટ અને લાઇફ બોયાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે મેડિકલ કેમ્પ અને બંદર સ્થિત ફાઉન્ડેશન દ્વારા ઊભી કરાયેલી સુવિધાથી માહિતગાર કર્યા હતા. જ્યારે વિવિધ માછીમારોએ મહત્ત્વની રજૂઆત કરતાં જણાવ્યું કે અમારી બોટ તૈયાર છે, પરંતુ બોટનું રજિસ્ટ્રેશન મત્સ્ય વિભાગ દ્વારા કરી આપવામાં આવતું નથી જેથી છતી બોટે માછીમારી કરી શકાતી નથી. જેના પ્રત્યુત્તરમાં સ્થાનિક મામલતદાર પી.એસ. વાઘેલાએ આ મુદ્દે મત્સ્ય વિભાગનું ધ્યાન દોરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ફાઉન્ડેશનના વિજયભાઇ ગોંસાઇ, મનહરભાઇ ચાવડા, ઇશ્વરભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે 6 બંદર ઉપરના ધો. 1થી 10માં અભ્યાસ કરતા 515 વિદ્યાર્થી ભાઇ-બહેનો વચ્ચે યોજાયેલા 10 દિવસના રમતોત્સવના વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આપ્યાં હતાં. માછીમાર આગેવાનો કાસમ હાસમ, તાલબભાઇ જાનમામદ ભટ્ટી, ઇશાક આમદ, મામદ જાફર, જુનેજાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કોસ્ટગાર્ડની ચર્ચામાં ભાગ લીધો હતો. અદાણી હોસ્પિટલના ફિઝિશિયન ડો. ગૌરવ દિવાણી, ડો. રાજેશ શુકલા, ડો. ત્રેયાંક શુકલ અને કોસ્ટગાર્ડના ડો. નિશાએ બંદર સ્થિત ચાલતા મેડિકલ ચેકપઅપ સેન્ટરમાં 107 લાભાર્થીઓને ચકાસી જરૂરી દવાઓ આપી હતી. નાયબ મામલતદાર યશોધર જેષી ઉપસ્થિત રહ્યા હતા. કોસ્ટગાર્ડ તરફથી માછીમાર ભાઇઓને લેન્ડ લાઇન અને મોબાઇલ નંબર આપવામાં આવ્યા હતા. દરિયા મધ્યે કોસ્ટગાર્ડની કામગીરી અને માછીમારો સાથેના વ્યવહારની પ્રશંસા કરવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer