વસંતોત્સવ દ્વારા પ્રકૃતિના તત્ત્વોનું સંરક્ષણ

વસંતોત્સવ દ્વારા પ્રકૃતિના તત્ત્વોનું સંરક્ષણ
ભુજ, તા. 17 : અહીંના આશાપુરા મંદિર પાછળ આવેલી લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વસંતોત્સવ દ્વારા પ્રકૃતિના તત્ત્વોનું સંરક્ષણ કરવા બાબતે ઉપસ્થિતોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકો દ્વારા પર્યાવરણ આધારિત તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના આરંભમાં શાળાના ટ્રસ્ટી મયૂરધ્વજસિંહજી રુદ્રસિંહજી જાડેજાએ મહેમાનો સાથે દીપ પ્રાગટય કરી વસંતોત્સવ કાર્યક્રમ માટે શાળા પરિવારને શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમની શરૂઆત નાના બાળકોએ શ્લોક ગાઇ તેમજ સરસ્વતી વંદના સાથે કરી હતી. તેઓએ સંસ્કૃત ઋતુગીત અને સંખ્યાગીતનું ગાન કર્યું હતું. સરસ્વતી એ વાણી અને વિદ્યાની દેવી છે. સરસ્વતીમાની ઉત્પત્તિ તેમજ તે સમયની સજીવસૃષ્ટિ કેવી હતી તેનું નિરૂપણ કરવા બાળકોએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રનો વેશ?ધારણ કરી સુંદર નાટક રજૂ કર્યું હતું. તે સમયની ઋતુરાજ વસંતની પ્રાકૃતિક સુંદરતા રજૂ કરવા બાળકોએ ફૂલ, પશુ-પક્ષીઓ, વૃક્ષો, મધમાખી, પતંગિયા, પ્રકૃતિના વિવિધ તત્ત્વોની વેશભૂષા ધારણ કરી સુંદર દૃશ્ય રજૂ કર્યું હતું. આચાર્યા આરતીકુમારી જાડેજાએ શાળા દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો. બાળકોએ કાર્યક્રમમાં હાજર રહેલા સર્વેને પ્રકૃતિના દરેક તત્ત્વોનું રક્ષણ કરવા, માતા-પિતાનું સન્માન, ગુરુજનોનો આદર કરવા, જાતિવાદ, ભ્રષ્ટાચાર, અન્યાય અને અનીતિ, ઇર્ષ્યા તથા દેશ-દુનિયામાં ફેલાયેલી નકારાત્મકતાને દૂર કરવાનો પ્રયાસ કરવા શપથ લેવડાવ્યા હતા. પ્રતિમાબેન ગોરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer