કચ્છમાં ડોકટરોની ખૂટતી જગ્યાઓ ફેબ્રુ.ના અંત સુધી આરોગ્ય તંત્ર ભરશે

કચ્છમાં ડોકટરોની ખૂટતી જગ્યાઓ ફેબ્રુ.ના અંત સુધી આરોગ્ય તંત્ર ભરશે
ભુજ, તા. 17 : અંજાર તાલુકા આરોગ્ય કેન્દ્રો અને દુધઇ સહિત કચ્છમાં ડોકટરોની ખૂટતી જગ્યાઓ આરોગ્ય તંત્ર દ્વારા ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ભરાશે તેવું રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે અંજારના સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી શ્રી આહીરની ઉપસ્થિતિમાં મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હોસ્પિટલના લેબરવોર્ડ માટે બે આધુનિક લેબરબેડની ખરીદી ઉપરાંત લેબરરૂમ માટે સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટની ખરીદી, ડેન્ટલ આઇટેમની ખરીદી કરવા અને ટીબીના દર્દીઓ માટે એક્ષરે માટેના એમઓયુ કરવા સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતા.  સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક તૃપ્તિબેન દ્વારા હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા સાફ-સફાઇની કામગીરી ઉપર ધ્યાન અપાતું હોવાનું જણાવી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મુલાકાતે આવતા સગા-સંબંધીઓ માટે સમય નિર્ધારિત કરવાની આવશ્યકતા જણાતાં દર્દીઓના હિતને ધ્યાનમાં લઇ આવનારા નાગરિકોને પણ કોઇ ચેપ ન લાગે તે માટે મુલાકાતીઓ માટે દર્દીઓને મળવાનો સમય નિર્ધારિત કરવાનું નક્કી કરાયું હતું. રાજ્યમંત્રીના હસ્તે  હોસ્પિટલમાં સાફ-સફાઇ ક્ષેત્રે સારી  કામગીરી કરનારા કર્મચારીઓને ચાંદીના સિક્કા આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ બેઠકમાં પ્રાંત અધિકારી વી.કે. જોષી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારિયાએ ચર્ચામાં ભાગ લઇ સૂચનો કર્યાં હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer