છબીલ પટેલે હત્યા માટે 30 લાખની સોપારી આપી હતી

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ દ્વારા) : કચ્છ ભાજપના અગ્ર હરોળના નેતા માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરવાના ભારે ચકચારી બનેલા કિસ્સામાં આ ખૂનના કાંડને અંજામ આપનારા બે શાર્પશૂટર કાયદાની પકડમાં આવી ગયા હોવાનું આજે સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. શશિકાંત દાદા-ઉર્ફે કાંબલે અને અશરફ અનવર શેખ નામના પુનાના આ બે શાર્પશૂટરે એવી માહિતી આપી છે કે કચ્છ અબડાસાના માજી ધારાસભ્ય છબીલભાઇ નારાણ પટેલે તેમને હત્યા કરવા માટે રૂા. 30 લાખની સોપારી આપી હતી.  ડાંગ જિલ્લાના સાપુતારા ખાતેથી ગઇકાલે બાતમીના આધારે આ કેસ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડીએ શશિકાંત કાંબલે અને અશરફ શેખને ઝડપી પાડ્યા હતા. આ બંનેને સ્થાનિકે લવાયા બાદ તેમની વિધિવત્ ધરપકડ કરાઇ હતી. આ બંને આરોપીએ ખૂનની ઘટનાને અંજામ આપ્યાનું તપાસનીશો સમક્ષ કબૂલીને એવો ઘટસ્ફોટ કર્યો હતો કે આ સમગ્ર કાંડમાં જેની ભૂમિકા તપાસકર્તાઓ દ્વારા સૂત્રધાર તરીકેની બતાવાઇ છે તેવા માજી ધારાસભ્ય છબીલ પટેલે તેમને જયંતીભાઇ ભાનુશાલીની હત્યા કરવા માટે રૂા. 30 લાખની સોપારી આપવા સાથે આનુષંગિક અને જરૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી. શાર્પશૂટર આરોપીઓને સ્થાનિકે લવાયા બાદ અને તેમની વિધિવત્ ધરપકડ બાદ સીઆઇડી ક્રાઇમના મહાનિર્દેશક આશિષ ભાટિયાએ આ વિશેની વિગતો સત્તાવાર રીતે જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બંને તહોમતદારની કબૂલાતોના આધારે કેસને સંલગ્ન અત્યાર સુધી બહાર ન આવેલા અનેક `રાઝ' સ્પષ્ટ થયા છે. ગઇકાલે શનિવારે ટ્રેક કરીને આ બંનેને પકડાયા હોવાનું કહેતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રકરણમાં સત્તાવાર રીતે ધરપકડનો આંક ચાર થયો છે. સાપુતારા ખાતેથી પકડી લેવાયેલા આ ભાડૂતી મારાઓનો ઇતિહાસ પણ ગુનાઓથી ખરડાયેલો છે. શશિકાંત સામે પુના (મહારાષ્ટ્ર)માં 10 થી 12 કેસ નોંધાયેલા છે, જે મુખ્યત્વે હત્યા અને મારામારીના છે; જ્યારે અશરફ શેખ ચોરીઓ જેવા ગુનાઓમાં સામેલગીરી ધરાવે છે.  સમગ્ર ઓપરેશન વિશે વિગતો આપતાં અને કેસને સંલગ્ન બાબતો ઉપરથી પડદો ઊંચકતાં ડી.જી. આશિષ ભાટિયાએ વધુમાં એવી વિગતો આપી હતી કે સૂત્રધાર અને મૃતક જયંતીભાઇના રાજકીય હરીફ એવા છબીલ પટેલે પુનામાં રહેતા તેના કેટલાક માણસોના માધ્યમથી શશિકાંત કાંબલેનો સંપર્ક કર્યો હતો. હત્યા થઇ તેના બે મહિના પહેલાં છબીલ પટેલે શાર્પશૂટરો સાથે મુંબઇમાં બેઠક કરી હતી. આ પછી કાંબલે પુનાથી અમદાવાદ બસ મારફતે ત્રણવાર આવ્યો હતો. પ્રારંભિક તબક્કે હત્યા જયંતીભાઇના ઘર ખાતે કરવાનું વિચારાયું હતું, પણ ઘર ગીચ વિસ્તારમાં હોવાથી ત્યાં કિસ્સાને અંજામ આપવો શક્ય ન લાગવાથી બાદમાં ટ્રેનમાં હત્યા કરવાની યોજના બનાવાઇ હતી. ભાડૂતી હત્યારાને છબીલ પટેલ દ્વારા રેલવે મથક અને નારાયણ ફાર્મ બતાવાયાં હતાં, જ્યાં આવી રેકી કર્યા બાદ આરોપી પુન: પુના ગયો હતો. ત્રીજી વખત અમદાવાદ આવ્યા બાદ તેને ભુજથી સામખિયાળી વચ્ચે કામ પૂરું કરવાની સૂચના અપાઇ હતી. શશિકાંતે આ ટ્રેનમાં બેસી પદ્ધતિસરની રેકી કરી હતી અને ડબ્બાના દરવાજા ક્યારે ખૂલે છે અને ક્યારે બંધ થાય છે તેના સહિતની તમામ જરૂરી બાબતોની વિગતો અંકે કરી હતી તેવી વિગતો પત્રકાર પરિષદમાં અપાઇ હતી. દરમ્યાન, ગત તા. 27મી ડિસેમ્બરના કાંબલેને બોલાવાયો હતો. તેને હથિયારની વ્યવસ્થા અશરફ શેખે કરી આપી હતી. આ સમયે શશિકાંત આઠેક દિવસ કચ્છમાં રેલડી ખાતેના નારાયણ ફાર્મમાં રોકાયો હતો. પહેલાં હત્યા 31મી ડિસેમ્બરના કરવાની હતી, પણ ચોક્કસ માહિતી ન મળતાં કામ થઇ શક્યું ન હતું. 30 લાખની સોપારી આપનારા છબીલ પટેલે એડવાન્સ પેટે રૂા. પાંચ લાખ આપ્યા હતા, જેમાંથી હથિયાર ખરીદવા સહિતનો ખર્ચ કરાયો હતો. સચોટ માહિતી મળે ત્યાં સુધી સૂત્રધારની માલિકીના નારાયણ ફાર્મ ખાતે રોકાયેલા શાર્પશૂટરોને જયંતીભાઇ સયાજી નગરીમાં એ.સી. ડબ્બામાં નીકળી રહ્યા હોવા વિશે માહિતી મળતાં સમગ્ર કાંડને અંજામ અપાયો હતો તેવું પણ બંને આરોપીની પૂછતાછ ઉપરથી સ્પષ્ટ થયું છે.  હત્યાકાંડને અંજામ અપાયો તે દિવસે સાંજે બંને શાર્પશૂટર નીકળ્યા હતા. કામ પતાવ્યા બાદ તેમને જ્યાં ટ્રેનમાંથી ઊતરી જવાનું હતું ત્યાં બાઇક પહોંચતી કરવાની વ્યવસ્થા ત્રીજી એક વ્યક્તિએ કરી હતી. ભચાઉ સ્ટેશનથી આરોપીઓ ટ્રેનમાં ચડ્યા ત્યારે ફર્સ્ટ ક્લાસ એ.સી. ડબ્બાના દરવાજા બંધ હોવાથી તેઓ બાજુના ડબ્બામાં ચડી જઇ બાથરૂમમાં સંતાઇ ગયા હતા, જ્યાં હથિયાર તૈયાર કરાયું હતું. એચ. કોચનો દરવાજો ખટખટાવ્યા સમયે જયંતીભાઇએ જ દરવાજો ખોલ્યો હતો. પહેલી ગોળી અશરફે ચલાવી હતી, જે મૃતકને છાતીમાં વાગી હતી. શશિકાંતે માથા અને આંખમાં ગોળી મારી હતી. હત્યા કર્યા બાદ તેઓ ચેઇન પુલિંગ કરીને નક્કી કરેલી જગ્યાએ ઊતરી ગયા હતા. આ સ્થળે પહેલેથી મૂકી રખાયેલી બાઇક ઉપર સવાર થઇને તેઓ નીકળી ગયા હતા. નંબર પ્લેટ વગરની બાઇકથી ગૂગલ મેપના આધારે દિશા મેળવી રાધનપુર-પાલનપુર રોડ થઇ આબુ પહોંચ્યા બાદ તેઓ ટ્રેનમાર્ગે પુના પહોંચી ગયા હતા, પણ તેમની માહિતી પોલીસને મળી જતાં તેઓ પુનાથી કુંભમાં જતા રહ્યા હતા અને ત્યાંથી કટરા અને વૈષ્ણોદેવી ગયા હતા. પરત કુંભમાં આવ્યા બાદ સાપુતારા પહોંચી તેઓ તોરણ ગેસ્ટહાઉસ ખાતે રોકાયા હતા, જે ગેસ્ટહાઉસને કોર્ડન કરી તેમને ઝડપી પડાયા હતા તેમ શ્રી ભાટિયાએ ઉમેર્યું હતું. આગળની કાર્યવાહીમાં આ બંનેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી સીટની ટુકડી હાથ ધરશે. આ બંનેને સંભવત: આવતીકાલે ભચાઉ ખાતેની અદાલતમાં પેશ કરાય તેવો નિર્દેશ પણ અપાયો છે.   

-તો છબીલ પટેલની  મિલકતો ટાંચમાં લેવાશે  ભુજ, તા. 17 : સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા અને પોલીસદળ માટે પ્રેસ્ટીજ ઇસ્યુ બનેલા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં ધરપકડનું વોરન્ટ કઢાયા બાદ પણ સૂત્રધાર છબીલ પટેલ હાજર ન થાય તો તેની મિલકત ટાંચમાં લેવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેવો નિર્દેશ આજે ખાસ તપાસ ટુકડી દ્વારા અપાયો હતો. શાર્પશૂટરોની ધરપકડના પગલે પત્રકાર પરિષદ યોજનારા સી.આઇ.ડી. ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ તેમની વાતચીત દરમ્યાન આ નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે ભાગેડુ જાહેર કરાયેલા છબીલ પટેલ સામે જરૂરી તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.   ભચાઉ કોર્ટએ કલમ 70 મુજબ ધરપકડનું વોરન્ટ આપ્યા બાદ પણ સૂત્રધાર હાજર ન થાય તો તેની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી થઇ શકે છે, તો તેની સામે રેડકોર્નર નોટિસ પણ કાઢી શકાય તેમ છે. આ તમામ બાબતો માટે વોરન્ટ મળ્યા પછી કાર્યવાહી આરંભી દેવાઇ હોવાની વિગતો તેમણે આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હત્યાનો બનાવ બન્યો તે પહેલાંથી છબીલ પટેલ વિદેશમાં છે. થોડા દિવસો પહેલાં તેમણે ઓડિયો કલીપ વહેતી કરી પોતે નિર્દોષ હોવાનું કહી નિર્દોષતા સાબિત કરશે તેમ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer