શહીદોના માનમાં આજે ભુજ બંધ

ભુજ, તા. 17 : રવિવારે હોટલ સિટી વિલેજ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડકરેશનની બેઠક મળી હતી. જેમાં ફેડરેશન સાથે જોડાયેલા 50 એસોસિયેશનના પ્રમુખો તથા હોદ્દેદારો, ભુજની વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રમુખો તથા જ્ઞાતિ ટ્રસ્ટોના હોદ્દેદારો અને મુસ્લિમ સંગઠનની વિવિધ જમાતના પ્રમુખો ઉપસ્થિત રહી આવતીકાલે શહીદોના માનમાં ભુજ બંધના એલાનમાં જોડાવા ટેકો જાહેર કર્યો હતો. શિક્ષણ તંત્રએ શાળાઓ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સૈનિકો પર થયેલા હિચકારા હુમલાને વિવિધ એસોસિયેશનના પ્રમુખો તથા જ્ઞાતિ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢીને તા. 18ના સોમવારે પોતાના કામકાજ બંધ રાખી સહકારની ખાતરી આપી હતી. મુસ્લિમ સંગઠને પોતાના કામકાજ બંધ રાખવાની ખાતરી આપી હતી સાથોસાથ કોઇ પોતાની દુકાન ખૂલી રાખશે તો પોતે બંધ કરાવશે તેવી  દેશદાઝ અને દેશભક્તિની ભાવના સ્વયંભૂ દર્શાવી હતી. આ અંતર્ગત આવતીકાલે સોમવારે મહાદેવ ગેટ પાસે શોકાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં બી.એસ.એફ.ના સૈનિકો, સમાજના સંતો ઉપસ્થિત રહી શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હોટેલ, મોલ પણ બંધ રહેશે તથા ઇન્ડિયન મેડિકલ એસો. સવારે 9થી 12 અને પેટ્રોલ પંપો બપોરે 2થી 5 બંધ પાળશે. ભુજ સિનેમા એસોસિયેશન બપોર સુધી બંધ પાળશે તેવું જણાવાયું છે. સંસ્થા દ્વારા મહાદેવ ગેટ, હમીરસરના કાંઠે સવારે 10 કલાકે ચેમ્બરના પ્રમુખ અનિલ ગોર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ બાદ 11 કલાકે મહાદેવ ગેટથી કલેક્ટર ઓફિસ સુધી સરકારને શ્રદ્ધાંજલિ પત્ર આપવા પદયાત્રા યોજાશે. આ બંધ દરમ્યાન રિલાયન્સ મોલ, ડીમાર્ટ, બ્રાન્ડ ફેક્ટરી, એવન, મેક્સ, મોલ માલિકોએ બંધમાં સહકારની ખાતરી આપી હતી. ભુજ કવીઓ જૈન મહાજન : પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિના માનમાં  ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ફેડરેશન દ્વારા ભુજ બંધનું એલાન અપાયું છે. જેમાં ભુજના દરેક નાગરિકોને સ્વયંભૂ જોડાવા ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘના અધ્યક્ષ દ્વારા તારાચંદભાઈ  છેડા દ્વારા જણાવાયું છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ મુસ્લિમ વિસ્તારો ભીડ વિસ્તાર, ભીડ ગેટ, સરપટ નાકા વિસ્તાર, મુસ્લિમ બજાર વિસ્તાર, સંજોગનગર, કેમ્પ વિસ્તાર, મટન માર્કેટ વિસ્તાર, સુરલભિટ્ટ રોડ વિસ્તાર તેમજ રિક્ષા એસોસિયેશન, પાન-બીડી કેબિનવાળા ધંધાર્થીઓને અપીલ કરી ભુજ બંધને સફળ બનાવવા તથા કામ ધંધા બંધ રાખવા સમિતિના પ્રમુખ મજીદ પઠાણ, જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા, રમજાન અલી સુમરા અને હાજી ગફુર શેખ દ્વારા અપીલ કરાઈ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના વેપાર-ઉદ્યોગ સેલ દ્વારા બંધને સંપૂર્ણ સમર્થન અપાયું છે તેમજ ભુજ શહેર સહિત એપીએમસી માર્કેટ યાર્ડ, જથ્થાબંધ બજાર, ગીતા માર્કેટ સહિત વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખે એવી પ્રમુખ પ્રકાશ શાહે અપીલ કરી છે. કચ્છ સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન બંધના એલાનમાં જોડાઈ અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી તમામ સભ્યો કામકાજથી અળગા રહેશે તેવું ઠરાવાયું છે તેમજ એસોસિયેશનના દરેક સભ્યોએ યથાશક્તિથી ફંડ એકત્રિત કરી સરકાર દ્વારા શરૂ કરાયેલી વેબસાઈટ પર 40 પરિવારના બેંક એકાઉન્ટ નંબર આપશે તેમાં જમા કરવા પ્રમુખ અતુલ દેસાઈ તથા મંત્રી પૂર્વેશ ગણાત્રાએ અપીલ કરી છે. ભુજ શહેર પાન-મસાલા અને કન્ફેક્શનરી એસોસિયેશન બંધના એલાનમાં જોડાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ એસો. દ્વારા સૈનિકો તેમજ તેમના પરિવારો દ્વારા ખરીદવામાં આવતી વસ્તુઓ કોઈપણ નફો મેળવ્યા વિના ભાવ ટુ ભાવ આપવાનો નિર્ણય કરાયો હોવાનું એસો.ના સંદીપ ચંદેની યાદીમાં જણાવાયું છે. ભુજ વોર્ડ નં. 2ના પ્રજાજનોને બંધમાં જોડાવા અપીલ : આતંકવાદી હુમલાને વખોડવા અપાયેલા બંધના આહ્વાનને સફળ બનાવવા વોર્ડ નં. 2નાં તમામ નાગરિકોને કુંભાર કાસમ સુલેમાન (ધાલાભાઇ) (નગરસેવક વોર્ડ નં. 2)એ પોતાના કામધંધા બંધ રાખવા અપીલ કરી છે. 

  કાલે પચ્છમ ખાવડા બંધ  ખાવડા-પચ્છમ વેપારી એસો. દ્વારા ધંધા-રોજગાર બંધ રાખવા અને સવારે 10 વાગ્યે દેનાબેંક ચોકમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી છે જેમાં ખાવડા-પચ્છમના તમામ નાગરિકોને હાજરી આપવા અપીલ કરવામાં આવી હોવાનું હાજી આમદ સુમરા, હાજી અલાના હાજી હસન સમા, પ્રમુખ પચ્છમ સંધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી, રસીદ આમદ સમા સભ્ય જિ.પં. દિનારા, હાજી ઉમર કુંભાર સરપંચ ખાવડા, હીરાલાલ રાજદે સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું છે. 

  આજે જિલ્લાની તમામ શાળાઓ ચાલુ રહેશે : શિક્ષણ તંત્રનો  ખુલાસો  આવતીકાલે અપાયેલા ભુજ બંધના એલાન દરમ્યાન કચ્છની તમામ શાળા-કોલેજો ચાલુ રહેવાનો ખુલાસો શિક્ષણતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. બંધના એલાનમાં અનેક સંસ્થાઓ સાથે રિક્ષા-છકડા યુનિયનો પણ જોડાયા હોવાની અફવાના પગલે આ વાહનોમાં શાળાએ જતાં બાળકોના વાલીઓ પણ અસંમજમાં મુકાયા હતા અને કચ્છમિત્રમાં ફોન દ્વારા શાળાઓમાં રજા બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ જિલ્લાના શિક્ષણતંત્ર દ્વારા શાળા-કોલેજો ચાલુ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે, આ બાબતે છકડાચાલકોનો સંપર્ક કરતાં બાળકોને શાળાએ લઇ જતાં સિવાયના પેસેન્જર છકડાચાલકો જોડાયા હોઇ શકે, પરંતુ તેઓ બાળકોને શાળાએ લઇ જશે તેવું જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer