ઔદ્યોગિક અને કામદાર સલામતીનો મુદ્દો નિયમોના પાલનના અભાવે જોખમી

ભુજ, તા. 17 : એક જમાનામાં ઘણાખરા અંશે મહાનગર મુંબઇની મનીઓર્ડર ઇકોનોમી આધારિત સરહદી કચ્છ જિલ્લામાં વિનાશક ધરતીકંપ બાદ આરંભાયેલા ઔદ્યોગિકીકરણના દોરમાં નાની-મોટી અનેક કંપનીઓ અને ઉદ્યોગો કાર્યરત થયા છે. હજારો લોકોને રોજગારી આપતાં આવા સ્થાનો ઉપર ઔદ્યોગિક સલામતી અને કામદાર સુરક્ષાનું જોઇએ તેટલું પાલન ન થતું હોવાની ફરિયાદો ઊઠી છે. મુંદરા નજીકના સમાઘોઘા સ્થિત જિંદાલ કંપનીમાં આજે વહેલી સવારે બનેલી બે કામદારનાં અકસ્માત મૃત્યુની ઘટનાના પગલે કામદાર સુરક્ષાને સંલગ્ન આ જૂનો અને જાણીતો તથા ચર્ચાસ્પદ મુદ્દો પુન: સપાટી ઉપર આવ્યો છે. જ્યારે-જ્યારે આવા જીવલેણ કિસ્સાઓ બને છે ત્યારે-ત્યારે થોડો ઊહાપોહ મચ્યા બાદ સ્થિતિ જાણે પૂર્વવત્ બની જતી હોવાની છાપ છેલ્લા લાંબા સમયથી ઊપસી આવી છે. ઔદ્યોગિક સલામતી અને કામદાર સુરક્ષા સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીઓ અને ઉદ્યોગ ગૃહોમાં સુરક્ષા માટે અલાયદો વિભાગ કાર્યરત રાખવાનો હોય છે. તો, આ સંબંધી નિયમોની અમલવારી પણ કરવાની હોય છે, પરંતુ તેનો સંપૂર્ણ અમલ ન થતો હોવાના કારણે સમયાંતરે અનિચ્છનીય ઘટનાઓ બનતી આવે છે. આવા સ્થાનો ઉપર અગ્નિશમન માટેની તથા પ્રાથમિક અને જરૂરી સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા તૈનાત કરવાની નિયમો મુજબ રહેતી હોય છે. તો, તાકીદના સંજોગોમાં કઇ રીતે સલામત રહેવું તે માટે પણ તાલીમ સહિતનાં પગલાં ભરવાના રહે છે, પરંતુ આ બાબતોનો ક્યાં અને કેટલો અમલ થઇ રહ્યો છે તે સ્પષ્ટ રીતે જોવા મળતું નથી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer