અંજારની પરિણીતાને સાસરિયા પક્ષના લોકોએ ઝેરી દવા પીવડાવતાં ચકચાર

ગાંધીધામ, તા. 17 : અંજારનાં શેખટીંબા વિસ્તારમાં રહેનાર એક પરિણીતાને તેના સાસરિયા પક્ષના સભ્યોએ ઝેરી દવા પીવડાવતાં પરિણીતાને સારવાર અર્થે ખસેડાઇ હતી. અંજારનાં શેખટીંબા, ગરાસિયાવાસ ગંગાનગરમાં રહેનાર જાસ્મીન ઇસ્માઇલશા સૈયદ (ઉ.વ.23) નામની પરિણીતા આ બનાવનો ભોગ બની હતી. આ ભોગ બનનાર યુવતી પોતાના મામા અબ્દુલ સૈયદના ઘરે હતી, દરમ્યાન ગઇકાલે બપોરે આ બનાવ બન્યો હતો. આ બનાવવાળી જગ્યાએ જાસ્મીનના સાસરિયા પક્ષના અલ્ફાનાબાનુ, રેશ્મા, અભુ અને અલ્ફાજ આવ્યા હતા. આ લોકોએ પરિણીતાને પકડી પાડી તેને ઝેરી દવા પીવડાવી નાખી હતી. આ બનાવમાં ઘવાયેલી ભોગ બનનાર પરિણીતાને પ્રથમ અંજાર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ યુવતીનો લગ્નગાળો 6-7 મહિનાનો છે, આ બનાવ અંગે તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. દરમ્યાન અંજાર પોલીસનો સંપર્ક કરતાં આવી નોંધ થઇ હોવાનું કહી ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવાનું ઉમેર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer