ભુજના શેરી ફેરિયાઓને રાષ્ટ્રીય સ્તરના સંગઠન સાથે જોડવા હાથ ધરાયો વ્યાયામ

ભુજ, તા. 17 : અહીંના સેતુ અભિયાન અને હુન્નર શાળા ફાઉન્ડેશનના પ્રયાસોથી ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનનું રાષ્ટ્રીય કક્ષાએ શેરી ફેરિયાઓનાં અધિકારો અને સંરક્ષણ માટે કાર્યરત સંગઠન નેશનલ હોકર્સ ફેડરેશન સાથે સંકલન કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો જેમાં ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોનાં શેરી ફેરિયા સંગઠનના સભ્યો જોડાયા હતા. સ્વૈચ્છિક સંસ્થા (એન.જી.ઓ.) કેરીસ્ટોન, યુવા સાથેના સંયુક્ત ઉપક્રમે મુંબઇના ગોવંડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અસંખ્ય ફેરીવાળા ઉપસ્થિત રહીને શહેરી ફેરિયા સમિતિ (ટી.વી.સી.) શેરી ફેરિયા કાયદો, શેરી ફેરિયાઓના અધિકારો અને રોજગારના સંરક્ષણ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દેશના કુલ ત્રણ કરોડ જેટલા શેરી ફેરિયાઓના ધંધા રોજગાર અને કાયદાની સમજ ઉપરાંત ભવિષ્યની અનેક ચિંતાઓ અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેરીસ્ટોનમાં સંધ્યા નાયડુ, ભાવના જેમીની, યુવાના રાજુ વંજારે અને મેકેન્જી ડાબરે વકતવ્યમાં જણાવ્યું હતું કે માર્ચ 2014માં કાયદો લાગુ થયા બાદ પણ અનેક સરકારોએ આ કાયદાનાં અમલીકરણમાં ઉદાસીનતા દાખવેલી છે.  ભુજ શહેરની પરિસ્થિતિ અંગે અર્બન સેતુના મહમદ લાખા અને હુન્નરશાળા ફાઉન્ડેશનના આદિત્યસિંઘ તથા શેરી ફેરિયાઓએ વાત કરી હતી જેમાં અલગ અલગ શહેરોની અને શેરી ફેરિયાઓની સમસ્યાઓ અલગ અલગ હોવાનું તેમણે વર્ણવ્યું હતું. ભુજમાં ભુજ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સહકાર અને સંકલન સાથે કામ કરાતું હોવાનું જણાવ્યું હતું. તો બીજી બાજુ સર્વેમાં બાકી રહી ગયેલા શેરી ફેરિયાઓની ટાઉન વેન્ડિગ કમિટીની નિયમિત બેઠકો ન થતી હોવાનું અને તે માત્ર કાગળ પર કાર્યરત હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે ટુંક સમયમાં ભુજ શહેરમાં શેરી ફેરિયાઓનું શહેર સ્તરે મજબૂત સંગઠન બનાવવાનો, ટાઉન વેન્ડિગ કમિટી નિયમિત મળે તે માટે પ્રયાસો કરવાનું અને સર્વેમાં બાકી રહી ગયેલા શેરી ફેરિયાઓનો તાત્કાલિક સર્વે થાય તેવા પ્રયાસો આગામી દિવસોમાં નગરપાલિકા સાથે સંકલન કરીને હાથ ધરવામાં આવશે. ભુજ શહેરના સંસ્થાકીય પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ વિસ્તારોના શેરી ફેરિયા ભાઇઓ અને બહેનો જોડાયા હતા. સર્વે તથા સંગઠનની વધુ માહિતી માટે આગામી દિવસોમાં ભુજ શહેર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવશે જે અંગે વધુ માહિતી માટે અર્બન સેતુ અભિયાનના મહમદ લાખાનો 90999 26951 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer