અબડાસાની આંગણવાડીઓમાં કાર્યરત બહેનોમાં નારાજગી

નલિયા, તા. 16 : પૂર્વ પ્રાથમિક શિક્ષણ?આંગણવાડીમાં ફરજ બજાવતી કર્મચારી મહિલાઓને છેલ્લા નવ મહિનાથી માતૃમંડળ, પૂરક પોષણ, ફ્રૂટ સહિતના બિલો ન ચૂકવાતાં આંગણવાડી વર્કરોમાં ભારે નારાજગી ફેલાઇ છે. અબડાસામાં 172 આંગણવાડીઓ છે પણ ખર્ચના બિલ નવ માસથી ચૂકવાયા નથી. એટલું જ નહીં દરવર્ષે આંગણવાડીના મકાનની માવજત માટે વાર્ષિક રૂા. 2000 ચૂકવવાનો સ્પષ્ટ નિયમ હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી આવું ચૂકવણું કરાયું નથી. અધૂરામાં પૂરું હોય તેમ આંગણવાડી વર્કર બહેનોને રાશનનો જથ્થો વાજબી ભાવની દુકાન પરથી મેળવવાનો હોય છે, જેની મજૂરી અને પરિવહન ચાર્જ સરેરાશ પ્રત્યેક વર્કરને દરમહિને રૂા. 300થી?રૂા. 500નો ખર્ચ લાગે છે, કારણ કે વાજબી ભાવની દુકાન પાંચથી પંદર કિ.મી.ના અંતરે હોય છે. આવો ખર્ચ પણ કચ્છમાં દરેક તાલુકામાં ચૂકવાય છે પણ અબડાસામાં ન ચૂકવાતાં વર્કર બહેનોમાં ભારે નારાજગી ફેલાઇ છે. ગ્રાંટો આવી ગયા છતાં પણ ચૂકવણું કરાતું નથી તેવો આ બહેનોએ આક્ષેપ કર્યો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer