આદિપુરની ચકચારી લૂંટમાં બે ખૂંખાર દબોચાયા

આદિપુરની ચકચારી લૂંટમાં બે ખૂંખાર દબોચાયા
ગાંધીધામ, તા. 10 : આદિપુરમાં એક્સિસ બેંકના એ.ટી.એમ. પાસે રૂા. 34 લાખની લૂંટના બનાવને અંજામ આપનાર હરિયાણાની ખૂંખાર ટોળકીના બે શખ્સને પોલીસે ફાયરિંગ કરીને દબોચી લીધા હોવાના હેવાલ સાંપડી રહ્યા છે. આદિપુરમાં સરાજાહેર ધોળા દિવસે એ.ટી.એમ. પાસે ફાયરિંગ કરી રૂા. 34 લાખની લૂંટના બનાવને અંજામ આપનાર હરિયાણાની ખૂંખાર ટોળકીને અંતે પોલીસે શોધી કાઢી હતી. જે-તે વખતે ગળપાદર ગામ સુધી આ શખ્સો પોતાનું વાહન લઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું ત્યારથી પોલીસે ગળપાદર પાછળની તથા વરસામેડી સીમમાં આવેલી સોસાયટીઓમાં ખાનગી રાહે વોચ ગોઠવી પોતાના બાતમીદારોને કામે લગાવ્યા હતા. પરંતુ લૂંટના બનાવને અંજામ આપી હરિયાણાની ગેંગ ગુપચુપ અહીંથી નાસી ગઇ હતી. દરમ્યાન, આ ટોળકી અન્ય બનાવને અંજામ આપવા અહીં પરત આવી હોવાની બાતમી પોલીસને મળી હતી. દિલ્હી, હરિયાણા બાજુ લૂંટ સહિતના બનાવોને અંજામ આપનાર આ ટોળકી ખૂંખાર હોવાનો અંદેશો હોવાથી પોલીસ બુલેટપ્રૂફ જેકેટ, હેલ્મેટ વગેરે પહેરીને ગળપાદર પાછળ વરસામેડીની સીમમાં શાંતિધામ સોસાયટી પાસેની એક સોસાયટીમાં ગઇ હતી. એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ, એ. ડિવિઝન, બી. ડિવિઝન વગેરે પોલીસની કુમક અહીં પહોંચી હતી. આગળથી હંમેશાં તાળું મારી પાછળના દરવાજાનો ઉપયોગ કરનાર આ ટોળકીના પાછળના દરવાજાને પોલીસે ખટખટાવ્યો હતો, તેવામાં ઘરમાં જ આ શખ્સોએ ફાયરિંગ કરી પોલીસને ડરાવવાની કોશિશ કરી હતી અને બાદમાં સડસડાટ બહાર નીકળી દોડવા લાગ્યા હતા તેમજ વધુ એક રાઉન્ડ ફાયર કર્યો હતો, ત્યારે પોલીસે વળતા વારમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આ ત્રણ પૈકી બે શખ્સને દબોચી લીધા હતા; જ્યારે એક શખ્સ બાવળની ઝાડીઓમાં ગુમ થઇ ગયો હતો. બાવળોમાં સંતાયેલા આ શખ્સને પકડવા પોલીસે ફોન કેમેરાની મદદ પણ લીધી હતી, પરંતુ છેક સુધી આ શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. નાસી ગયેલા આ શખ્સને પકડવા નાકાબંધી કરાઇ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પકડાયેલા બે શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક કટ્ટો પણ જપ્ત કરાયા હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનોનો સંપર્ક કરતાં બે શખ્સને રાઉન્ડ અપ કરાયા હોવાનું કહી બીજી વિગત બાદમાં અપાશે તેવું જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer