કચ્છમાં લોકસભા ચૂંટણીની બાજી બિછાવાઇ

કચ્છમાં લોકસભા ચૂંટણીની બાજી બિછાવાઇ
ભુજ, તા. 10 : દેશભરનું રાજકારણ લોકસભાની આવનારી ચૂંટણીની ગરમી પકડી ચૂકયું છે, હજુ ચૂંટણી ભલે જાહેર નથી થઇ પરંતુ તેની તૈયારીઓ રાજકીય પક્ષોએ તથા વહીવટી તંત્રએ વિધિવત આરંભી જ દીધી હોય એ સ્વાભાવિક છે. કચ્છનાં અંદાજે 15 લાખ જેટલા મતદારોની યાદી, (મોરબીનાં અલગ) ઇવીએમ આદિ સજ્જ થઇ રહ્યા છે અને ઉભય પક્ષે રાજકીય આગેવાનો, પક્ષો, કાર્યકરો પણ ઊભા-આડા ચોકઠા ગોઠવી રહ્યા છે, અનેક ઉમેદવારો ચહેરા પર હાસ્ય ટકાવી રાખીને સામેથી બોલાવતા થયા છે, તો દેશનું શાસન અને રાષ્ટ્રીય હિતના પ્રશ્નોની ચર્ચામાં વ્હોટસએપ-ફેસબુક જેવા શત્રોથી અદનો આદમી પણ પસંદગી-વિરોધ દર્શાવી રહ્યો છે.  આમ તો થીજવી દે તેવી ઠંડીનો એક આગવો દોર ચાલી રહ્યો છે, પણ એ ટાઢ કરતાં પણ રાજકીય ગરમીની ઉષ્મા વધુ તીવ્ર રીતે દઝાડતી હોય તેવા વાક્યો-શબ્દોનાં બાણ વછૂટી રહ્યા છે... એ...આવી... ચૂંટણી આવીની ચર્ચા વચ્ચે `કચ્છમિત્ર'એ જિલ્લાના બંને મુખ્ય પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોનો સંપર્ક સાધી કેટલી તૈયારી કે કેવી છે તૈયારી એ પ્રશ્ન મૂકતાં જ રહસ્યનાં અનેક તાણાવાણા સાથે લખાયેલી કોઇ નવલિકાની જેમ સૌ પોતપોતાના પ્રકરણો ખોલી રહ્યા છે, મતદાર એક દિવસનો રાજા છે પણ એ રાજત્વ એ સ્વીકારે તો જ જ્યારે તેને ખબર પડે કે રાજકીય પક્ષો કેટકેટલી મજૂરી કરીને તેને રીઝવવામાં લાગ્યા છે. બસ, એ એક દિનના સુલતાન માટેનો વ્યાયામ કયાં, કેટલો ચાલે છે તે  આ હેવાલમાં જણાવવાનો એક પ્રયાસ છે. કચ્છની લોકસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે  અને કચ્છ ઉપરાંત મોરબી વિધાનસભા મળીને કુલ સાત બેઠકનો તેમાં સમાવેશ છે, 17.20 લાખ મતદારો સાથે આ બેઠકનો વ્યાપ દેશભરમાં સૌથી મોટો છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ કચ્છ જિલ્લો રાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો હોવાથી આ બેઠક માટેના દાવેદાર રાજકીય પક્ષ ઉમેદવારે કેટકેટલો વ્યાયામ કરવો પડતો હશે તે સહેજે સમજી શકાય એવી વાત છે. લોકસભામાં સર્વોચ્ચ ક્રમાંકિત કચ્છ લોકસભા બેઠક છેલ્લી લાગલગાટ છ ચૂંટણીઓ, 1996થી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2019ની ચૂંટણીમાં પણ એ સિલસિલો જળવાઇ રહેશે કે પરિવર્તન આવશે એ ઉદેશથી કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપભાઇ ત્રિવેદીનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું કે લોકસભાની ચૂંટણી ભલે હજુ જાહેર નથી થઇ, પણ કચ્છ ભાજપે તો વિતેલા છ માસથી આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. સતાપરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જે જાહેરસભા થઇ એ શ્રીગણેશ કહી શકાય. ભગવા પક્ષની રણનીતિ સાફ અને સ્પષ્ટ કરતાં શ્રી ત્રિવેદી કહે છે કે, તમામ મંડલો, જિલ્લા પદાધિકારીઓ, સંગઠન પ્રભારીઓની એક નહીં અનેક બેઠકો થઇ ચૂકી, જન-જન, બૂથ-બૂથ સુધી પક્ષનું નેટવર્ક જીવંત છે પણ આ વખતે પક્ષે કચ્છ બેઠકના બે ભાગ પાડી પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ તૈયારી આદરી છે. 2200 જેટલી ખાટલા બેઠકો યોજાઇ ગઇ છે, જે શહેરી-ગ્રામ્ય બંને વિસ્તારમાં સાંજ પછી મળી છે અને તેમાં રાષ્ટ્રીય, રાજ્યસ્તરે સરકારો દ્વારા થયેલા કામોથી લોકોને વાકેફ કરાયા છે. ગુજરાતભરમાં 26 બેઠક માટે આવી 1 લાખ ખાટલા બેઠકો યોજાઇ ચૂકી છે. હવે કલસ્ટર બેઠકો ચાલી રહી છે. એક કલસ્ટર બેઠકમાં બે જિલ્લાની વાત થાય અને એક - એક જિલ્લાના 1-1 હજાર જણ જોડાય. રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નિયુક્ત પ્રભારી સહિતના આ બેઠકોમાં સામેલ થાય, માર્ગદર્શન આપે અને મળનારા મતોનો  આંક વધુ ને વધુ ઊંચે કેમ લઇ જવો તે અંગે વિચાર-વિમર્શ થાય. કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર સાથે જોડી બંનેની કલસ્ટર બેઠક સુરેન્દ્રનગરમાં મળી. આટલેથી ન અટકતાં તા. 10થી 20 ફેબ્રુ.ના દેશના નવ રાજ્યોમાં પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનનું પણ આયોજન છે. 21મી ફેબ્રુ.થી બીજી માર્ચ સુધી વિધાનસભા બેઠક દીઠ વિસ્તારક યોજના 10 દિવસ ચાલશે, જેમાં પાંચ-પાંચ દિવસના બે તબક્કે દરેક જિલ્લાના આગેવાન કાર્યકર એક - એક બૂથ સુધી જઇને પક્ષનો સંદેશ વહેતો કરશે. કચ્છ બેઠકના 1899 બૂથ પર આ કાર્યક્રમ યોજાશે અને પક્ષ માટે મત મગાશે... બીજી માર્ચે સમગ્ર દેશમાં એક સાથે બાઇકરેલી યોજાશે અને એક બૂથ પર ઓછામાં ઓછી પાંચ બાઇક દોડાવાશે જ. આ ચૂંટણી કમળના પ્રતીકતળે લડશે કોણ ? એ પ્રશ્નનો સાહજિક ઉત્તર વાળતાં પ્રભારીએ કહ્યું કે, અમારું કામ સંગઠનનું છે, જે ઉમેદવાર અમને અપાશે તેને જીતાડશું. ઉમેદવાર જે આવે તે નિશ્ચિંત થઇને આવે. કચ્છ ભાજપની કમીટેડ ટીમ પારિવારિક ભાવનાથી વિજયમાળા પહેરી શકે ત્યાં સુધી લઇ જશે. કચ્છ કોંગ્રેસ માટે લોકસભા બેઠક પડકારરૂપ છે. કારણ કે, પક્ષ છ ચૂંટણી હારી ચૂકયો છે, 23 વર્ષથી વિજયોત્સવ નથી મનાવ્યો, પણ આ વખતે એ પરાજયોનો બદલો એકી સાથે વ્યાજ સહિત લઇને જીતશું તેવો વિશ્વાસ કચ્છ કોંગ્રેસના યુવા અધ્યક્ષ યજુવેન્દ્રસિંહે વ્યક્ત કર્યો હતો. આ વખતે કોંગ્રેસમાં પૂરેપૂરી વિજયની ભૂખ છે, સંગઠન એકદમ એકજૂથ છે અને કચ્છની છએ છ વિધાનસભા બેઠકોનાં મુખ્ય મથકોએ જનાક્રોશરેલી દ્વારા મળેલા પ્રશ્નો ઢોલ વગાડીને કહે છે કે હવે નાગરિકો ભાજપના શાસનથી એટલા માટે કંટાળ્યા છે કે વિકાસ માત્ર ભગવા પક્ષનાં કાર્યકરોનો જ થયો છે, નાગરિકોનાં પ્રશ્નો એના એ જ છે. કોઇ હાથ પકડતું નથી, પણ હવે કોંગ્રેસ ભાજપને તમામ મોરચે મ્હાત કરવાની તૈયારી સાથે લોકસભાની ચૂંટણીમાં ઊતરી  રહી છે. કચ્છની છ વિધાનસભા બેઠક, 40 જિલ્લા પંચાયત બેઠક, દશેદશ તાલુકા અને 1845 બૂથ સુધીનો વ્યાયામ પક્ષે એક કરતાં વધુ વખત કર્યો છે અને લોકોના પ્રશ્નો જાણવાની સાથે કાર્યકરોને પણ ચેતનવંતા કર્યા છે, એક-એક બૂથ પર એક ત્રી, એક પુરુષ મળી બબ્બે `જનમિત્ર' અમારા મતો ખેંચતા અને સાથોસાથ એક સૈનિકનું કામ કરશે, બૂથ લેવલ એજન્ટ પણ તૈયાર થઇ ગયા છે. કચ્છ લોકસભા બેઠકના પ્રભારી ખુરશીદ સૈયદ, જિલ્લા પ્રભારી હીરાભાઇ જોટવા અને ઝોનલ પ્રભારી પ્રવીણ મારુ ઉપરાંત ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુપ્તપણે મતદારોનો મિજાજ જાણ્યો છે અને કોંગ્રેસ પક્ષની સ્થિતિથી પણ વાકેફ થયા છે,  કોણ પક્ષ માટે ફાયદેમંદ છે, કોણ નુકસાનકારક છે તેનો પૂરેપૂરો અંદાજ કેન્દ્રીય સ્તરે સ્પષ્ટ છે, તેથી પક્ષને નુકસાન કરે તેવાઓને કોઇ જવાબદારી જ સોંપાશે નહીં અને નજર રખાશે. ગુજરાતની 26 બેઠકો માટે દિલ્હીથી 13 નામ નક્કી કરી વિતેલી ત્રણ વિધાનસભા-લોકસભા ચૂંટણીઓમાં પડેલા મતોનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરાયું છે, કચ્છનાં જ કોંગ્રેસના યુવા નેતા દ્વારા ઝીણવટભર્યો આવો હેવાલ તૈયાર કરાયો છે, એટલું જ નહીં પ્રદેશ કક્ષાએ પણ પહોંચાડી દેવાયો છે. કોંગ્રેસનો ઉમેદવાર બારાતુ હશે કે સ્થાનિકનો ? તે પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ આપવાને બદલે રાજકીય રીતે આપતાં શ્રી જાડેજાએ કહ્યું કે, સંગઠનસ્તરે, સેન્સ વખતે અમોએ અમારી લાગણી સ્પષ્ટ કરી છે, બૂથસ્તરનું પ્લાનિંગ અને માઇક્રો પ્લાનિંગ પૂરેપૂરી નિષ્ઠા બધું જ છે તેથી આ વખતે કોઇ ઉમેદવાર ચૂંટણી ફંડ દબાવી બેસી જઇને હારી જાય તેવું શક્ય નથી. કોંગ્રેસ કોઇને સમર્થન આપીને પોતાનો ઉમેદવાર જ કચ્છમાં ન ઉતારે તેવી વ્યક્ત થતી શંકા અને પક્ષમાં જ આંતરિક જૂથવાદ તથા દરેક ચૂંટણી વખતે ભાજપને મદદ કરતા કોંગ્રેસીઓ આ વખતે શું કરશે તેવી કોઇપણ ચિંતાને હળસેલતાં પ્રમુખ કહે છે કે, હારી રહેલા ભાજપ દ્વારા આવી વાતો ફેલાવાય છે. કચ્છની લોકસભા બેઠક પર મુખ્યત્વે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો સીધો જંગ થતો રહ્યો છે. આ વખતે જિજ્ઞેશ?મેવાણીનું પરિબળ ચર્ચાસ્પદ છે. વડગામના ધારાસભ્ય મેવાણી કચ્છ અનેકવાર આવ્યા છે અને સંજોગો ઊભા થાય તો તેઓ કચ્છમાંથી ઉમેદવારી કરે એવી સંભાવના જોવાય છે. જો કે, એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં શ્રી મેવાણીએ કહ્યું કે, કચ્છ સંસદીય ક્ષેત્રની વિશાળતાની નજરે તેઓ અહીં ચૂંટણી લડવી પસંદ કરતા નથી પણ ટેકેદારો કહેશે એ મુજબ નિર્ણય લેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer