કચ્છ ઝંખે છે : ઠાર શમે તો સારું

કચ્છ ઝંખે છે : ઠાર શમે તો સારું
નલિયા, તા. 10 : વસંત પંચમીના દિવસે પણ વાસંતી વાયરાથી ઠંડકમાં થરથરેલાં કચ્છી જનજીવને હવે આ ઠાર શમે તો સારું તેવી પ્રાર્થના કરવા માંડી છે. રવિવારે પણ પારો 5.8 ડિગ્રી સેલ્સિયસ પર ટકી રહેતાં નલિયા રાજ્યમાં સૌથી વધુ ઠર્યું હતું.સવાર ઊગતાંની સાથે જ ભેજને વેરવિખેર કરી નાખતા ઉત્તર-પૂર્વની દિશાના ઠંડાગાર પવનોથી વર્તાતા સૂકા ઠારમાં ઠૂંઠવાઇને જિલ્લાનાં ગામ-શહેરોએ માંડ દિવસ પસાર કર્યો હતો.કંડલા એરપોર્ટ પર 8.9 ડિગ્રી સેલ્યિસ સાથે અંજાર, વરસામેડી સહિતના પૂર્વીય વિસ્તારો ઠર્યા હતા. જિલ્લા મથક ભુજમાં 10.4 ડિગ્રી નોંધાતાં શહેરી જનજીવન પવન પ્રેરિત ઠારમાં ઠર્યું હતું. શ્વાસ, દમના દર્દી, નબળાઇ ધરાવતા લોકો તેમજ વડીલો માટે શિયાળુ પવનોએ પરેશાની સર્જી છે. ખાસ તો વહેલી સવારમાં ઉઠીને મોડી રાત સુધી કામ કરવાની લાચારી વેઠતા શ્રમજીવીઓ, ઝૂંપડામાં વસતા દરિદ્રનારાયણો માટે ટાઢાબોળ પવનો પીડાકારી બની રહ્યા હતા. લીલાછમ વાડી વિસ્તારમાં તેમજ સૂકા રણના વિસ્તારમાં  એકધારા વર્તાયેલા ઠારના  ડંખથી લોકો ભારે પરેશાન બની ગયા છે. વાગડ, પાવરપટ્ટી, માકપટ આહીરપટ્ટી, રણકાંધી સહિત વિસ્તારોના ગામડામાં ટાઢોડાની તીવ્રતાથી બચવા ગ્રામીણ જનજીવનને દિવસભર ઊની વત્રોમાં વીંટળાયેલા રહેવાની ફરજ પડી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer