બહુઆયામી ચિનુક હવે ચંદીગઢ જશે

બહુઆયામી ચિનુક હવે ચંદીગઢ જશે
ભુજ, તા. 10 : ભારતીય હવાઇદળની તાકાતમાં નોંધપાત્ર વૃદ્ધિ કરતા અને ખાસ કરીને કચ્છના મુંદરા સ્થિત અદાણી જૂથના બંદરને દેશમાં ટેકનોલોજીકલ સુવિધાની દૃષ્ટિએ ગૌરવ આપતા ગઇકાલે ચાર ચિનુક હેલિકોપ્ટર ઊતર્યા એ હવે ચંદીગઢ જશે અને આ વર્ષના અંત સુધીમાં હવાઇદળમાં વિધિવત સામેલ થઇ જશે. સમાચાર સંસ્થા એએનઆઇએ આજે ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતના મુંદરા બંદરે  ભારતીય હવાઇદળ માટે ચાર ચિનુક હેલિકોપ્ટરની પ્રથમ બેચ આવી હતી. ભારતે અમેરિકા પાસેથી આવા 15 હેલિકોપ્ટરની ખરીદી કરી છે. દરમ્યાન માધ્યમોના હેવાલો મુજબ ભારે માત્રમાં વજન ઊંચકી  શકતા હેલિકોપ્ટરથી નોંધપાત્ર રીતે એરફોર્સની શકિત વધશે અને અન્ય પરિવહન, આપત્તિ સમયની જરૂરિયાતમાં પણ સુવિધામાં મહત્ત્વનો વધારો થશે. ભારતે 22 `અપાચે' હેલિકોપ્ટર અને ગઇકાલે આવેલા આ સીએચ47 (એફ)(આઇ) મોડેલના ચિનુક હેલિકોપ્ટરોની ખરીદી માટે અમેરિકી કંપની બોઇંગ સાથે 2015માં કુલ 2.5 અબજ ડોલરના મેગા કરાર કર્યા હતા. ગુજરાતમાં જ આ હેલિકોપ્ટરનું એસેમ્બલિંગ થશે અને બાદમાં ચંદીગઢ લઇ જવામાં આવશે. આ ચિનુક હેલિકોપ્ટર એ બોઇંગ કંપનીએ તેના નિશ્ચિત સમયથી પહેલાં માર્ચને બદલે વહેલા જ મોકલવામાં સફળતા મેળવી હતી. આ ચિનુક હેલિકોપ્ટર એ અમેરિકી લશ્કર અને અન્ય 18 સંરક્ષણ દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. બોઇંગ કંપનીએ જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ચિનુક એ ભારતીય હવાઇદળને અજોડ, લડાઇમાં માનવીના નિશાન સુધીની વ્યૂહાત્મક ક્ષમતાઓ પૂરી પાડશે. આ ચિનુક હેલિકોપ્ટર  એ શત્રો, હળવા વાહનો, ભારે મશીનરી, 9.6 ટન વજનની સામગ્રી ઊંચાઇવાળા પર્વતીય વિસ્તારો સુધી લઇ જઇ શકશે. આ હેલિકોપ્ટરનો ઉત્તર-પૂર્વમાં વ્યૂહાત્મક સ્થાનો પર માર્ગો બનાવવા માટે, સાધનો લઇ જવા પણ ઉપયોગ કરી શકાશે. ભારતના સંરક્ષણ મંત્રાલયે બોઇંગ સાથે ખરીદી ઉપરાંત તાલીમ સહિતના કરારો કર્યા હતા અને એરફોર્સના અધિકારી-કર્મીઓએ અમેરિકામાં ગત વર્ષે તાલીમ પણ લીધી હતી. આ હેલિકોપ્ટર  જવાનોની આવન-જાવન અને ઇંધણ પરિવહન પણ કરી શકશે એમ બહુવિધ ઉપયોગી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer