રણમાં ભૂલ્યા-ભટક્યાનો અને ભૂખ્યા તરસ્યાનો ભેરુ મેડક બેટ

રણમાં ભૂલ્યા-ભટક્યાનો અને ભૂખ્યા તરસ્યાનો ભેરુ મેડક બેટ
ઘનશ્યામ મજીઠિયા દ્વારા
રાપર, તા. 10: વાગડમાં લોભિયા માણસ માટે એક કહેવત છે કે `ટકા સાટે ટીકર જાય એવો છે' મતલબ કે ટીકર જવું એ સહેલી વાત નથી. કચ્છના નાના રણમાં પલાસવા કે આડેસરથી રણ વાટે સૌરાષ્ટ્રમાં જવા માટે આ ખૂબ જ ટૂંકો અને ઉપયોગી શોર્ટકટ છે. પણ કોઈ અજાણ્યો માણસ જો આ રસ્તે જાય અને જો ભૂલો પડે તો અફાટ રણમાં એને પાણી પાવાવાળું પણ કોઈ મળે નહીં. એનો તાજો જ દાખલો થોડા દિવસ પહેલાં ભીમાસરથી પગપાળા જતાં ફસાઈ ગયેલા છ યાત્રીકોને પોલીસ તંત્રએ અને સ્થાનિક લોકોએ મહામહેનતે બચાવ્યા તે છે. આવા અફાટ રણ અને અટપટા રસ્તા વચ્ચે લોકોને માર્ગદર્શન અને આશરો આપતું સ્થાન એટલે ચમકતા પથ્થરોનો વિસ્તાર `મેડકબેટ'. શિયાળા અને ઉનાળામાં ખુલ્લા રહેતા આ રણ-રસ્તામાં આવેલો મેડકબેટ એક રણની દીવાદાંડી જેવો કહી શકાય. આડેસરથી વીસેક કિલોમીટર અને પલાસવાથી ત્રીસ કિલોમીટર રણમાં આવેલું આ ધામ ધાર્મિક મહત્ત્વ સાથે ઐતિહાસિક ધરોહર પણ સાચવીને બેઠું છે. ગાયોની વહારે ચડેલા રાજપૂત વીર વરણેશ્વર પરમાર લડતાં લડતાં શહીદ થયા ત્યારે તેમનું મસ્તક વરણુમાં વધેરાઈ ગયેલું છતાં પણ એકલું ધડ લડતાં લડતાં અહીં મેડક બેટ સુધી આવેલું એવો અહીંનો ઈતિહાસ છે. જ્યાં મસ્તક પડેલું ત્યાં વરણેશ્વર દાદાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ત્યાં વરણુ ગામ પણ વસેલું છે. આ મેડકબેટને એક યાત્રાધામ તરીકે વિકસાવાયું છે. બાજુમાં મોટું તળાવ અને અંદર કૂવો બનાવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી બનાસકાંઠાથી કે વાગડથી પદયાત્રીઓ મોટા પ્રમાણમાં પસાર થાય છે તેમને તમામ પ્રકારની સુવિધાઓ આ બેટના સેવકો દ્વારા કરાતી હોવાનું પૂજારી મહાદેવભાઈ રબારીએ જણાવ્યું હતું. તો મેડક બેટથી ટીકર સુધીના રસ્તે પણ પદયાત્રીઓ અને વાહનચાલકો ભૂલા ન પડે એ માટે રંગીન થાંભલા અને પથ્થરો લગાવી દેવામાં આવ્યા છે. અને જ્યાં ભીનાશ કે પોલાણ હતું ત્યાં જમીન ટ્રેક્ટરથી સમથળ કરી હોવાનું પૂજારીએ જણાવ્યું હતું. જગ્યામાં નાનકડી એવી ગૌશાળા પણ છે. મેડકબેટની વિશિષ્ટતા એટલે ત્યાંના ચમકતાં ગાબડકાં કે માર્બલ જેવા પથ્થરો ! સવારનો અને ચાંદની રાતનો નજારો બહુ જોવા જેવો હોય છે. કોઈ પણ વિસ્તારનો જો વિકાસ કરવો હોય તો શરૂઆત સ્વથી કરવી જોઈએ. કચ્છનો પ્રવાસી આખું ભારત કે વિશ્વ ફરી વળ્યો હશે પણ ઘરઆંગણે જ આવા મેડકબેટ કે નિલાંગર પર્વત કે એકલનું રણ, મોણકા-ગાંગતાનું સફેદ રણ વગેરે ઘરઆંગણેની જગ્યાનો નજારો ક્યારેય નહીં માણ્યો હોય. વાગડનો ઘણોખરો વર્ગ આ મેડકબેટથી અજ્ઞાત હશે. સાસણ ગીરમાં રૂપિયા ખર્ચીને સિંહદર્શન કરતા પ્રવાસીઓએ આવી જગ્યાએ ક્યારેક `ઘુડખર' દર્શન કરવા જેવા પણ ખરા. હા, સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો દ્વારા ઉનાળામાં આ રસ્તે પદયાત્રીઓ માટે કેમ્પ અને જગ્યા દ્વારા શેરડીના રસ સુદ્ધાં પીવડાવવામાં આવે છે. રસ્તામાં ઠેર-ઠેર અહીંના સેવાભાવી પૂજારી મહાદેવબાપાના મોબાઈલ નંબર (સહાય માટે) લખવામાં આવ્યા છે. મેડકબેટથી ટીકર માત્ર પાંત્રીસ કિલોમીટર દૂર છે. ભૂતકાળમાં પલાસવા ટીકર વચ્ચે બસ સેવા ચાલુ હતી એમ નિવૃત્ત તલાટી અને વયોવૃદ્ધ પ્રેમજીભાઈ દીપચંદ ઠક્કરે કહ્યું હતું. પલાસવાથી ટીકર રોડ પણ બહુ ગાજેલો, સાંભળવા મુજબ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગયેલી પરંતુ વચ્ચે ઘુડખર અભયારણ્ય આવતું હોવાથી કામ સ્થગિત કરેલ હોવાનું જાણવા મળેલ છે. આ રસ્તો બની જાય તો કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર સાવ ઘટી જાય કારણ કે મેડકબેટથી ટીકર માત્ર 35 કિલોમીટરના અંતરે જ આવે છે. તો ભૂતકાળમાં આ જગ્યાનો વિશિષ્ટ પથ્થર પણ ઘણો ખોદાઈ ચૂક્યો હોવાનું જોવા-જાણવા મળી રહ્યું છે. દેડકાની પીઠ જેવો ચમકતો અને ચળકતા રંગબેરંગી સમુદ્રી પથ્થરોથી આચ્છાદિત એવો મેડકબેટમાં ફરીને ઘુડખર નિહાળવાનો અને રણ ટ્રેકિંગનો લ્હાવો લેવા જેવો ખરો !

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer