માધાપર પાસે વીર દેવાયત આહીરના સ્મારકને નુકસાની થકી ભારે દોડધામ

માધાપર પાસે વીર દેવાયત આહીરના સ્મારકને નુકસાની થકી ભારે દોડધામ
ભુજ, તા. 10 : મુંદરા તાલુકામાં મોટી ભુજપુર ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની ચોરીના કિસ્સા બાદ આ શહેરની ભાગોળે માધાપર તરફ જતા ધોરીમાર્ગે બાપા સીતારામ મઢૂલી પાસે આવેલા વીર આહીર દેવાયત બોદરની પૂર્ણ કદની પ્રતિમા સાથેના સ્મારકને નુકસાન થવાની ઘટના પ્રકાશમાં આવતાં ભારે દોડધામ મચી હતી. અલબત્ત, સમગ્ર પ્રકરણમાં આહીર સમાજના આગેવાનોએ પોલીસની સાથે રહીને ઉશ્કેરાટ બતાવ્યા વગર કે અનિચ્છનીય પ્રતિક્રિયા આપ્યા વગર કુનેહથી કામ લેતાં સ્મારકને ભારવાહક વાહનના કારણે ક્ષતિ થયાનું શોધી કાઢ્યું હતું.  બહાર આવેલી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે આ સ્મારકને નુકસાન થયાની વિગતો બહાર આવી હતી. આ વિશે માધાપર જૂનાવાસના સરપંચ પ્રેમિલાબેનના પુત્ર, આહીર સમાજના યુવા આગેવાન રમેશ આહીરને જાણ થતાં તેમણે બનાવના સ્થળે ધસી ગયા બાદ સમાજના આગેવાનો શામજીભાઇ બાલાસરા અને પૂંજાભાઇ આહીરને વાકેફ કર્યા હતા. આ પછી રાત્રે યુવાનોની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસને જાણ કરાતાં સ્ટાફ સ્થાનિકે ધસી ગયો હતો.  ભુજપુર ખાતે ડો. આંબેડકરની પ્રતિમાની તસ્કરીનો બનાવ તાજો જ હોવાના પગલે વીર આહીર દેવાયત બોદરના સ્મારકને નુકસાન થવાને લઇને ભારે ઉત્તેજના સાથે તર્કવિતર્કો ઊભા થયા હતા. અલબત્ત, આહીર સમાજના આગેવાનો સાથે યુવાનોની ટીમે પોલીસની સાથે રહીને કુનેહ તથા સમજદારીથી કામ લઇ ઘટનાનો તાગ  મેળવી લીધો હતો. આ  માર્ગ ઉપરનાં વ્યવસાયી સ્થાનોના સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરાતાં પવનચક્કીના વિશાળ પાંખડા લઇને જતા ટ્રેઇલર થકી સ્મારકને નુકસાન થયાનું શોધી કઢાયું હતું.દરમ્યાન, આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે આ ટ્રેઇલરને મોટા યક્ષ પાસેથી પકડી પડાયું હતું. ટ્રેઇલર માલિકે યોગ્ય કરવાની બાંહેધરી આપી હતી. આ પછી બનાવ વિશે કોઇ પોલીસ કેસ કરાયો ન હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer