સ્વાઇન ફલુની પત્રિકાઓ વહેંચી એટલે પૂરું ?

સ્વાઇન ફલુની પત્રિકાઓ વહેંચી એટલે પૂરું ?
ભુજ, તા. 10 : સ્વાઇન ફલુએ ફરી માથું ઉંચકયું છે. દેશમાં રાજસ્થાન પછી ગુજરાતનો ક્રમ આવે છે અને રાજ્યમાં કચ્છમાં એચવન એનવનનો કહેર વધી ગયો છે. ત્યારે આરોગ્ય તંત્ર પત્રિકાઓ વહેંચીને સંતોષ માની બેઠું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. હવા અને સ્પર્શથી ફેલાતા આ વાયરસનો ફેલાવો અટકાવવા નાસ્તાની લારીઓ, ચાની કિટલીઓ સહિતના જાહેર સ્થળોએ કોઇ દર્દી છીંકો ખાઇ આવે તો જોખમી સાબિત થાય તેમ હોવા છતાં કોઇ પગલાં લેવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને   સૂચવાયું નથી. આરોગ્ય તંત્ર અને સ્થાનિક સ્વરાજ તંત્રની નીરસતા આમલોકોને ખૂંચી રહી છે. આ બાબતે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. અરુણકુમાર કુર્મીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે બચાવમાં કહ્યું કે હવાજન્ય રોગ છે.મનુષ્યમાં  મનુષ્ય દ્વારા ફેલાય છે. એટલે પાંચ લાખ જેટલી પત્રિકાઓ દ્વારા સ્વાઇન ફલુથી બચવા શું કરવું, શું ન કરવું તેવી માહિતી લોક જાગૃતિ માટે અપાય છે. જો કે લખપત અને રાપરમાં પત્રિકાઓ હવે પહોંચાડાશે તેવું ઉમેર્યું હતું. ડો. કુર્મીએ જણાવ્યું કે મેળામાં પ્રચાર કરાય છે. આઇએમએ સાથે ભુજ, ગાંધીધામ, રાપર, નખત્રાણામાં બેઠકો યોજી છે. ઉકાળો પીવડાવાય છે. શાળાઓમાં પ્રચાર કરાયો છે, ઘરોઘર સર્વે કરાય છે. ઉકાળો પીવડાવાય છે. સરકાર દવા મફત આપે છે. જાહેર આરોગ્યની તકેદારી માટે ભુજ સુધરાઇને પૂછતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાનું સૂચવાયું ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં ભુજના સંજોગનગર, નટવાસમાં ટાંકામાં નાખવા બે મહિના ચાલે તેટલી કલોરીનની ગોળીઓનું વિતરણ કરાયું છે, સાથે ટાંકામાં દવા નખાય છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં જ 104 જેટલા કેસ નોંધાયા, તેમાં આઠ મોત થઇ ચૂકયા છે અને હવે તો કચ્છમાં ટાઢોડું ફરી વળ્યું છે ત્યારે એચવન એનવન વાયરસને સાનુકૂળ માહોલ હોવાથી વધવાની  શકયતા નકારી ન શકાય, તેવા ટાંકણે સ્વચ્છતા જેવા સામૂહિક કાર્યે માટે આરોગ્ય તંત્રને કોઇ રસ હોય તેવું ચિત્ર ઉપસતું નથી. જાગૃત લોકોના મતે જાહેર સ્થળો ફળ-શાકાજીની લારીઓ, નાસ્તાગૃહ અને લારીઓ જેવા ખુલ્લામાં વેચાતી ખાણી-પીણીની વસ્તુઓ ઉપર તકેદારી રાખવા પગલાં લેવાય તે જરૂરી છે. ભૂતકાળનો કિસ્સો યાદ કરતાં ઉમેર્યું હતું કે પાણીપુરીની  લારીવાળાઓને ગ્રામજનોએ પ્રવેશબંધી ફરમાવી હતી. જાગૃત લોકોએ નારાજગી સાથે ઉમેર્યું હતું કે સૌથી વધુ પોઝિટિવ કેસ જિલ્લા મથક ભુજ અને ભુજ તાલુકાના છે અને મૃત્યુ આંક પણ આ જ વિસ્તારનો ઊંચો છે ત્યારે આરોગ્ય તંત્ર પાસે બચાવના કારણો પણ રહેતા નથી. જિલ્લા આરોગ્ય શાખાએ જનજાગૃતિ માટે જ્યારે તમે બીમાર હો ત્યારે તુરત સારવાર લો, કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો, વારંવાર સાબુથી હાથ ધોવા, વપરાયેલા રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઇ નાખવો, બીમાર વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલી નકામી વસ્તુઓનો નાશ કરવો, દરેક જાતની સપાટી (ટેબલ, બાથરૂમ, બાળકોના રકમડાં, ટેલિફોન, દરવાજાના હેન્ડલને જંતુનાશક પ્રવાહીથી સાફ કરવા, બીમાર વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલી ચાદરો, વાસણો, રૂમાલ વગેરેને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને પાણીથી બરાબર ધોવા, રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિમાં તાવ, ઉધરસ, શરદી, ગળામાં દુખાવો, આંખમાં લાલાશ, ઝાડા-ઊલટી જેવા લક્ષણો જણાય તો તબીબી સારવાર, તપાસણી કરાવવાની શીખ આપી પોતાની કામગીરીને ઈતિશ્રી માની ન લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer