વાગડના વગડામાં વસંતના વધામણાં...

વાગડના વગડામાં વસંતના વધામણાં...
રાપર, તા. 10 : રાપરથી 14 કિલોમીટર દૂર ખુબડી માતાના સ્થાનકે વસંત પંચમીએ ભાતિગળ પરિવેશમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉજવણી કરવા ઊમટી પડયા હતા. સવારથી બપોરના બે વાગ્યા સુધી નિરંતર લોક સમુદાય મેજ માણવા આવી પહોંચ્યો હતો. વગડાની વચ્ચે વસંતના વધામણાં થયા હોય તેમ રાસની રમઝટ બોલી હતી. વાગડના જ સ્થાનિક કલાકારો શબ્દ સાથે લય, સૂર અને તાલના કામણ પાથરી સૂરતાને જાણે સાબદી કરી હતી. વિવિધ લય અને તાલ વચ્ચેના સુંદર નર્તને અનેરો માહોલ સર્જ્યો હતો. સ્થાનના ભજનાનંદી સંત રમેશભાએ વિગતો આપતાં કહ્યું કે વરસોની આ પરંપરા છે. અગાઉ આસપાસના ગામના લોકો ઘરેથી મીઠાઇ લાવી બળદ ગાડાઓ જોડીને આવતા અને ઢોલના નાદ પર રાસ રચાતો. સમય બદલાયો, ઉપકરણો બદલાયા, વિશાળ મંડપમાં આધુનિક સાજ વડે અનોખું વાતાવરણ ખડું થાય છે અને મા જગદંબા ખુબડીના ગાણા પર રાસ રમાય છે. બારથી કરીને બાવન વરસ સુધીની વયની બહેનોના પરિવેશની વિવિધતા વડે રચાતા રાસ અને ગવાતા ગાણામાં રમનારા રમે છે પણ આ ઊભા રહીને જોનારના હૈયા પણ નાચતા હોય છે. દૂર દૂરથી ભાવિકો અત્રે ઊમટે છે ત્યારે પ્રાગપર-ભીમાસર મુખ્ય માર્ગથી જે ટૂંકો કાચો મારગ છે તે પાકો રોડ બને તો હજારો લોકો માટે લાભપ્રદ રહે તેવું યુવાન કાર્યકર સુભાષભાઇ ગઢવીએ જણાવ્યું હતું. તો આ રસ્તાને સોનલવા ગામ સાથે જોડવામાં આવે તો એક આશીર્વાદરૂપ કામ થાય. છલ્લા ચાર વરસથી ભોજન પ્રસાદ તથા સાંસ્કૃતિક કાર્યક્ર‰મની સેવા આધોઇના ખુબડી માતાના ભક્ત માવજી રામજી સોઢવિયા પટેલ પરિવાર દ્વારા થાય  છે. માતાજીના ભક્તોના સહયોગથી વગડા વચ્ચે એકાદ કરોડ રૂપિયા ઉપરાંતના  ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ પ્રગતિમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer