પાક. ઘૂસણખોર પોલીસ હવાલે : હજુ બે ફરારની શોધખોળ જારી

પાક. ઘૂસણખોર પોલીસ હવાલે : હજુ બે ફરારની શોધખોળ જારી
ભુજ, તા. 10 :; સીમા સુરક્ષા દળની 108 બટાલિયનના જવાનોએ તલાશી અભિયાન દરમ્યાન વાનેવારી ક્રીકમાંથી શનિવારે માછીમારી માટે આવેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડયા બાદ આ ઘૂસણખોરને નારાયણ સરોવર પોલીસને હવાલે કરાયો છે. હજુ અન્ય બે ફરાર ઘૂસણખોરની શોધખોળ જારી છે. બુધવારે એક પાકિસ્તાની બોટ સાથે બે ઘૂસણખોરને ઝડપી પાડયા બાદ તેની સાથે અન્ય ત્રણ માછીમાર ઘૂસણખોર હોવાની વિગત ઝડપાયેલાઓએ આપતાં બી.એસ.એફ.એ આડી-અવળી ક્રીકોમાં તલાશી અભિયાન આદર્યું  હતું. દરમ્યાન શનિવારે સાંજે એ જ  વિસ્તારમાંથી ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યે અને ઠંડીમાં ઠુઠવાઇ ગયેલો 25 વર્ષીય સુમાર યાકુબ મલાર નામનો પાકિસ્તાની ઘૂસણખોર બી.એસ.એફ.ના જવાનોને મળી આવ્યો હતો. આ ઘૂસણખોર પાસેથી પાકિસ્તાની ચલણ, અન્ય કોઇ દસ્તાવાજ કે મોબાઇલ ફોન જેવી કોઇ જ સંદિગ્ધ વસ્તુ હાથ લાગી નથી. પાકિસ્તાનના ઠઠો પ્રાંતના છછ મજખાન (તા. શાહ બંદર જિ. સુજાવર)ના રહેવાસી એવા સુમારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસે કરેલી પૂછપરછ દરમ્યાન તેણે જણાવ્યું હતું કે, કેકડા શોધવા માટે ક્રીકમાં ઘૂસ્યા બાદ તે સાથીદારોથી વિખૂટો પડી ગયો હતો. ત્રણ દિવસ સુધી અટપટ્ટી ક્રીકોમાં ખાધા-પીધા વગર ભટકતો રહ્યો હતો જેથી તેની તબિયત લથડી હતી. આમ માછીમારી માટે પાકિસ્તાનથી બોટ વાટે આવેલા પાંચ પૈકી ત્રણ ઘૂસણખોરોને જવાનોએ ઝડપી લીધા છે. હજુ અન્ય બે ઘૂસણખોર ક્રીકમાં ભટકી રહ્યા છે અથવા પાકિસ્તાન તરફ નીકળી ગયા છે. બાકીના ઘૂસણખોરોને ઝડપવા દળના જવાનોએ તલાશી અભિયાન સઘન બનાવી  દીધું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer