માનસિક દિવ્યાંગોના ઉત્થાનની દિશામાં જાગૃતિનો દીવો પ્રગટાવવાનું કાર્ય

માનસિક દિવ્યાંગોના ઉત્થાનની દિશામાં જાગૃતિનો દીવો પ્રગટાવવાનું કાર્ય
ભુજ, તા. 10 : માનસિક વિકલાંગ લોકો સાથે સંવેદનાપૂર્વક વર્તીને તેમની વિશિષ્ટ ક્ષમતાઓને ઉજાગર કરવાની છે અને આ દિશામાં સાહિત્યનું ખેડાણ એ સામાજિક અંધકારમાં જાગૃતિરૂપી દીવો પ્રગટાવવાનું કામ છે એમ અહીં ડો. બોસ્કી અમિત મોરબિયા લિખિત પુસ્તક `મંદબુદ્ધિનો સદ્બુદ્ધિથી સ્વીકાર' પુસ્તકના વિમોચનમાં અગ્રણીઓએ જણાવ્યું હતું.ભુજના વી.બી.સી. ગ્રુપ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ  ખાતેની વા.બે.ચો. સમાજની વાડીમાં આયોજિત પુસ્તક વિમોચન સમારોહમાં મોટા સમાજના પ્રમુખ પંકજભાઇ મહેતાએ કહ્યું હતું કે, આપણે માનસિક, વિકલાંગોની કુદરતી શક્તિઓ વિકસાવવા તરફ ધ્યાન આપવાનું છે. સામાજિક અગ્રણી રમેશભાઇ સંઘવીએ કહ્યું હતું કે, અંદરની કરુણા વહે ત્યારે સાચી સેવા થાય છે. ડો. બોસ્કીએ દીપ પ્રગટાવવાનું કામ સર્જનાત્મક રીતે કર્યું છે. જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. ધવલ દોશીએ કહ્યું હતું કે, સમાજને ઉપયોગી થાય ત્યારે સર્જનનું મહત્ત્વ વધી જાય છે. ઓમ ફાઉન્ડેશન ભુજના પ્રમુખ મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્માએ કઠિન વિષયની સરળ ભાષામાં સમજ આપવા બદલ ડો. બોસ્કીને અભિનંદન આપી કહ્યું હતું કે, તેનાથી વાલીઓની મનોદશા પણ બદલાશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ના વરિષ્ઠ પ્રાધ્યાપક  દક્ષાબેન ગોરે કહ્યું હતું કે, માનસિક વિકલાંગોનું ઉત્થાન સૌની જવાબદારી છે. વરિષ્ઠ પ્રાધ્યાપક કાશ્મીરાબેન મહેતાએ જણાવ્યું હતું કે હૈયું, મસ્તક અને હાથ જોડીને આ કામ થયું છે. હોમિયોપેથી તબીબ ડો. જીતુભાઇ લાલચંદાનીએ કહ્યું હતું કે, આજે સામાન્ય બાળકો પર પણ આપણે કેટકેટલા ક્લાસીસનો અને અપેક્ષાઓનો બોજ નાખી દઇએ એના  વિશે પણ વિચારવાની જરૂર છે. ભુજ વી.બી.સી. મહિલા મંડળના પ્રમુખ કલાબેન શેઠ, યુવક મંડળના પ્રમુખ મહેશ મહેતા, ડો. માર્ગી દોશીએ લેખિકાને બિરદાવ્યા હતા. મંદબુદ્ધિ બાળકોના ઉછેર અને વિકાસ માટે કાર્યરત `કલરવ' સંસ્થાના નીલાબેન મોદીએ કહ્યું હતું કે, આવા વિશિષ્ટ બાળકોને યોગ્ય તાલીમ અને સંવેદનાથી તેમની શક્તિઓ બહાર લાવી શકાય છે. વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ એવા ડો. બોસ્કીએ પ્રતિભાવમાં કહ્યું હતું કે, માત્ર મંદબુદ્ધિ બાળકોના પરિવારો માટે જ આ પુસ્તક નથી પણ સમગ્ર સમાજ માટેનું છે. સંચાલન નીતિન પારેખે કર્યું હતૂં. વીબીસી ગ્રુપના હસમુખ મહેતા, ચિંતન ખંડોર, ભદ્રેશ દોશીની ઉપસ્થિતિ હતી. આ પ્રસંગે અમિતાબેન દોશી અને વરધીભાઇ મહેતાનું વીબીસી ગ્રુપ રત્ન એવોર્ડથી સન્માન કરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer