ગાંધીધામમાં સમાજના યુવાનોને મેદાની રમતો તરફ વાળવા યોજાયો રમતોત્સવ

ગાંધીધામમાં સમાજના યુવાનોને મેદાની રમતો તરફ વાળવા યોજાયો રમતોત્સવ
ગાંધીધામ, તા. 10 : અહીંના મેઘવંશી મારૂ (મારવાડા) સમાજ દ્વારા પ્રજાસત્તાકદિન નિમિત્તે જ્ઞાતિના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, મહિલાઓ વગેરે માટે રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનો વિદ્યાર્થી, યુવાવર્ગ મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોવાથી જૂની અને જાણીતી રમતોથી દૂર થતો જાય છે, માટે સમાજની સમાજવાડી, રામદેવરા ખાતે લાંબી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, રસ્સાખેંચ, સ્લો સાઇકલિંગ સંગીત ખુરશી વગેરે મેદાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હોવાની લાગણી આ વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર લિખિત સંવિધાનના પુસ્તકને હારારોપણ કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રમત-ગમતના કાર્યક્રમમાં મહિલાઓ માટેની રમતોમાં સોનલબેન મારૂ, કંચનબેન ખોખર, માનસી ભીમજી, પ્રિયાબેન બડિયા, પાયલ ભીમજી, હિના કોચરાણી, ગાયત્રીબેન બડિયા, માયાબેન મણોઢિયા વિજેતા બન્યા હતા તેમજ હર્ષ બોખાણી, સાહિલ બોખાણી, નિખિલ મારૂ, હસમુખ પઢિયાર, અનિલ બડિયા અન્ય રમતોમાં વિજેતા બન્યા હતા. આ વેળાએ સમાજના ગોપાલભાઇ બડગા, બબાલાલ લોંચા, પ્રેમજીભાઇ મારૂ, આંબારામભાઇ કોચરાણી, વાલજીભાઇ બડગા, પુરુષોત્તમભાઇ મારૂ, રામજીભાઇ ગુડાર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હીરાલાલ મંગરિયા, અશોક ખોખર, જિતેન્દ્ર મારૂ, આલજી લોંચા, ગોવિંદ ખોખર, રમેશ મારૂ, નિખિલ મારૂ વગેરે યુવાનોએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન હરેશ મારૂ તથા આભારવિધિ પ્રેમજીભાઇ બોખાણીએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer