15 માર્ચ સુધી અંજારથી કુકમા વચ્ચે નવી પાઇપલાઇનનું કામ સંપન્ન કરી લેવાની ખાતરી

15 માર્ચ સુધી અંજારથી કુકમા વચ્ચે નવી પાઇપલાઇનનું કામ સંપન્ન કરી લેવાની ખાતરી
ભુજ, તા. 10 : અંજારથી કુકમા સુધીની પાઇપલાઇન નાખવાના ચાલી રહેલા કામને 14 મહિનાના બદલે રેકોર્ડ સમયમાં એટલે કે ફકત ચાર મહિનામાં યુદ્ધના ધોરણે પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલી જ ઝડપે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા અંજારથી કુકમા સુધીની જમીનની નીચે પાઇપલાઇન નાખવાના ખોદાણથી જમીનને નુકસાની અને પાક નુકસાની માટે ચૂકવવાની થતી રકમનું પણ ખેડૂતોને ત્વરિત ચૂકવણું શરૂ કરી દેવામાં આવ્યું છે. રતનાલ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગઇકાલે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે રતનાલ-ચુબડકના 13 ખેડૂતોને નુકસાની વળતર પેટે રૂા. 55.63 લાખથી વધુ રકમના ચેક અર્પણ કરી કાર્યનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે જીડબલ્યુઆઇએલ અંજારના સિનિયર મેનેજર સી.બી. ઝાલાએ આપેલી વિગતો અનુસાર પશ્ચિમ કચ્છમાં લખપત-અબડાસા અને બન્ની વિસ્તારમાં વરસાદના અભાવે અંજાર-કુકમા વચ્ચેની પાણીની પાઇપલાઇનનું કાર્ય રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવા રાત-દિવસ જહેમત ઉઠાવાઇ રહી છે. રાજ્યમંત્રી દ્વારા પણ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સતત માર્ગદર્શન મળવાના પરિણામે તેમજ તંત્રો વચ્ચે સંકલનથી અડચણ-રૂકાવટ વિના ચાલી રહેલા ઝડપી કામ થકી આગામી  હોળી-ધુળેટી પહેલાં એટલે કે 15મી માર્ચે પાઇપલાઇન ચાલુ કરી દેવાની ગણતરી રખાઇ હોવાનું જણાવ્યું હતું.  આ નુકસાની વળતરમાં રતનાલના ખેડૂતોનો સમાવેશ થાય છે. શ્રી ઝાલાએ જે ખેડૂતોના 7/12 અને બેંકના આધારો આપવાના બાકી હોય તેઓને પણ રજૂ કરી દેવા અનુરોધ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer