ગુર્જર આંદોલન હિંસક

જયપુર, તા. 10 : રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન આજે ત્રીજા દિવસે જારી રહેવાની સાથે હિંસક બન્યું હતું. ધોલપુર જિલ્લામાં આગરા-મુરૈના હાઈવેને બંધ કરવાના પ્રયાસમાં દેખાવકારોએ પોલીસનાં ત્રણ વાહનમાં આગ લગાવી હતી. પથ્થરમારામાં ચાર પોલીસને ઈજા પહોંચી હતી. બીજી તરફ, ગુર્જર નેતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ રોકીને બેઠા હોવાથી 55 ટ્રેનને રદ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં અનેક સ્થળે ગુર્જરોના દેખાવ જારી છે. કોટા-જયપુર હાઇવે પણ દેખાવકારોએ જામ કરી નાખ્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે, હિંસાથી કોઇ ઉકેલ નીકળશે નહીં. અત્યાર સુધી શાંતિપૂર્વક ચાલતા ગુર્જર અનામત આંદોલને આજે હિંસક વળાંક લીધો હતો. આંદોલનકારીઓએ ધોલપુરમાં આગ્રા-મુરૈના હાઈવેને બંધ કરવાની કોશિશ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ઉગ્ર દેખાવકારોએ પોલીસનાં ત્રણ વાહનને આગને હવાલે કર્યાં હતાં. ધોલપુરના પોલીસ અધીક્ષક અજયસિંહે જણાવ્યું હતું કે, કેટલાંક અસામાજિક તત્ત્વોએ આગ્રા-મુરૈના હાઈવેને બાધિત કર્યો હતો. કેટલાકે હવામાં ગોળીઓ પણ ચલાવી હતી. પોલીસનાં ત્રણ વાહનમાં આગ ચાંપવામાં આવી; જ્યારે દેખાવકારોના પથ્થરમારામાં ચાર પોલીસને ઈજા પહોંચી હતી. પોલીસે આંદોલનકારીઓને હટાવવા માટે હવામાં ગોળીઓ ચલાવી હતી. આશરે એક કલાક બાદ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો. બીજી તરફ, ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલાએ પણ દેખાવકારોને શાંતિ જાળવવાનો અનુરોધ કર્યો હતો. બૈંસલાએ પુનરોચ્ચાર કર્યો હતો કે જ્યાં સુધી ગુર્જર સમુદાયને પાંચ ટકા અનામત મળશે નહીં, ત્યાં સુધી આંદોલન જારી જ રહેશે. દરમ્યાન, ટ્રેનવ્યવહારને ગંભીર અસર પડી રહી છે. અનામત આંદોલનને કારણે રાજસ્થાનમાં 55થી વધુ ટ્રેનને રદ કરવામાં આવી હતી; જ્યારે અનેક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવાઈમાધોપુર-બયાના વચ્ચે ભારે ભીડ થતાં પશ્ચિમ રેલવેએ બાંદરા ટર્મિનસ-સવાઈમાધોપુર વચ્ચે 10 થી 14 ફેબ્રુઆરી દરમ્યાન રાત્રે 8.15 કલાકે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer