દેશ પર મજબૂર સરકાર થોપવા માગે છે કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 10 : મિશન લોકસભા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 12 કલાકમાં દક્ષિણ ભારતના ત્રણ રાજ્ય આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકનો પ્રવાસ ખેડયો હતો અને સભાઓ ગજવી હતી. દક્ષિણ પ્રવાસની શરૂઆતમાં આંધ્રપ્રદેશના ગંટુરમાં રેલી સંબોધિત કરી હતી, જ્યાં લોકોને નવી પરિયોજનાઓની ભેટ આપવાની સાથે વિપક્ષ ઉપર પ્રહાર પણ કર્યો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ઉપર નિશાન તાકતાં મોદીએ કહ્યું હતું કે, મહામિલાવટ ક્લબના દરેક સભ્ય ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે અને આ ક્લબમાં ચંદ્રાબાબુ પણ જોડાયા છે. વિરોધ કરી રહેલા ટીડીપીના કાર્યકર્તાઓ ઉપર વ્યંગ કરતાં મોદીએ કહ્યું હતું કે, ટીડીપીના નેતાઓ ગો બેકના નારા સાથે  દિલ્હીમાં ફરી બેસવા કહે છે. આ લોકો પણ મને ફરી શાસન મળે તેવું ઈચ્છી રહ્યા છે. હુબલીમાં તેમણે કહ્યું હતું કે, આ લોકો કર્ણાટકની મજબૂર સરકારનું મોડલ દેશ પર થોંપવા માગે છે. સરકારનો વડો એક ખૂણામાં રડતો રહે અને નિર્ણયો નામદારના મહેલમાં લેવાય એવી સરકાર દિલ્હીમાં ઇચ્છે છે. ચંદ્રાબાબુ નાયડુ ઉપર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું હતું કે, નાયડુ સિનિયર છે એટલે તેમના સન્માનમાં કોઈ કમી રખાશે નહીં. નાયડુ પક્ષ બદલવામાં, ગઠબંધન કરવામાં, જીત બાદ હાર મેળવવામાં અને પોતાના જ સસરા (એનટી રામારાવ)ની પીઠમાં ખંજર મારવામાં સિનિયર છે. આટલા સિનિયર અમે બન્યા નથી. મોદીએ ઉમેર્યું હતું કે, ચંદ્રાબાબુ પહેલાં જેને ગાળો આપે છે તેના જ પક્ષમાં જોડાય છે.  અગાઉ ચંદ્રાબાબુ આંધ્રપ્રદેશના સનરાઈઝ (સૂર્યોદય)ની વાત કરતા હતા પણ હવે પોતાના સન (પુત્ર)ના રાઈઝ માટે કવાયત કરી રહ્યા છે. પહેલાં કોંગ્રેસ ફ્રી ઈન્ડિયાની વાત કરતા હતા અને હવે તે જ કોંગ્રેસનું સમર્થન કરે છે.  મોદીએ કોંગ્રેસ ઉપર નિશાન તાકતાં કહ્યું હતું કે, 65 વર્ષમાં 5 કરોડ એલપીજી કનેક્શન અપાયા હતા, જ્યારે એનડીએ સરકારે પાંચ વર્ષમાં 16 કરોડ નવા કનેક્શન આપ્યા છે. જે લોકોએ દેશને ધુમાડામાં છોડયો હતો તે હવે દેશમાં જુઠ ફેલાવવા લાગ્યા છે અને મહામિલાવટની અસરના કારણે આંધ્રના મુખ્યમંત્રી પણ મોદીને ગાળો આપવાની સ્પર્ધામાં જોડાયા છે. આ સાથે મોદીએ આંધ્રપ્રદેશમાં પેટ્રોલિયમ અને ગેસ સંબંધિત 6825 કરોડ રૂપિયાની બે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમજ રિમોટ કન્ટ્રોલથી નેલ્લોર જિલ્લામાં ભારત પેટ્રોલિયમ લિમિટેડના એક તટીય ટર્મિનલની આધારશિલા મૂકી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer