સરહદી જિલ્લાના લોકો માટે બને છે ખાસ યોજના

નવી દિલ્હી, તા. 10 : સરકાર દેશના સરહદી જિલ્લામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને ઓળખપત્ર જારી કરશે અને આ સંબંધે વિસ્તૃત યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે લોકસભામાં એક સવાલના જવાબમાં સરહદી જિલ્લામાં ઓળખપત્રની જાણકારી આપી હતી. સરહદ ઉપર ઘૂસણખોરીના બનાવોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અને ઘૂસણખોરીની પ્રવૃત્તિને નાકામ બનાવવા માટે દરેક નાગરિકોને ઓળખ માટે કમર કસવામાં આવી રહી છે. મંત્રાલયના આંકડા પ્રમાણે 2016 થી 2018 વચ્ચે ત્રણ વર્ષમાં સીમાપારથી ઘૂસણ- ખોરીની 371 ઘટના સામે આવી છે.  ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે, દેશના તમામ સીમાવર્તી જિલ્લામાં રહેતા ભારતીય નાગરિકોને ઓળખપત્ર જારી કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ચૂકી છે. આ મામલે વિસ્તૃત યોજના તૈયાર કરવા માટેની જવાબદારી રજિસ્ટ્રાર જનરલને સોંપવામાં આવી છે. આ સાથે જ સીમાક્ષેત્ર વિકાસ કાર્યક્રમને માર્ચ-2020 સુધી જારી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સીમા નજીક રહેતા લોકોની વિશેષ વિકાસલક્ષી જરૂરિયાતો અને કલ્યાણ સંબંધી કાર્યોને પૂરા કરવા માટે મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ 17 રાજ્યના 111 જિલ્લાના 396 બ્લોકમાં રાજ્ય સરકારોના માધ્યમથી સીમાક્ષેત્ર વિકાસ કાર્યક્રમ કરી રહી છે. આ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ સામેલ છે. ભારત સાથે બાંગલાદેશ, પાકિસ્તાન, નેપાળ, ભુતાન, ચીન અને મ્યાંમારની સીમા જોડાયેલી છે. વર્ષ 2016માં ભારતમાં ઘૂસણખોરીની 108 ઘટના નોંધાઈ હતી; જ્યારે 2017માં 123 અને 2018માં 140 ઘૂસણખોરીની ઘટના બની હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં ઘૂસણખોરીની સૌથી વધુ ઘટના ભારત-મ્યાંમાર સીમા ઉપર બની છે. આ અવધિમાં ભારત-પાક સીમાક્ષેત્ર ઉપર ઘૂસણખોરીના 74 મામલા, ભારત-નેપાળ સરહદે 12 અને બાંગલાદેશ સરહદે 3 મામલા નોંધાયા હતા. બીજી તરફ, ભારત-ચીન અને ભારત-ભુતાન સરહદે ઘૂસણખોરીની કોઈ ઘટના નોંધાઈ નહોતી. ગૃહ મંત્રાલય પાસે પ્રાપ્ત જાણકારી પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં 1689 કિલોમીટર, અરુણાચલ પ્રદેશમાં 39 કિ.મી., આસામમાં 259 કિ.મી., બિહારમાં 93 કિ.મી., ગુજરાતમાં 279 કિ.મી., હિમાચલ પ્રદેશમાં 36 કિ.મી., ઉત્તરપ્રદેશમાં 106 કિ.મી.,  ઉત્તરાખંડમાં 12 કિ.મી., જમ્મુ- કાશ્મીરમાં 144, મેઘાલય 399 કિ.મી., મિઝોરમ 333 કિ.મી., રાજસ્થાન 130  કિ.મી., સિક્કિમ 68 કિ.મી. અને ત્રિપુરામાં 943 કિ.મી. સરહદી રસ્તા તૈયાર થયા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer