ભારતનું વહાણ કાંઠે આવીને ડૂબ્યું : કિવીની શ્રેણીજીત
હેમિલ્ટન, તા. 10 : છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 4 રને પરાજય થયો હતો. આથી ન્યૂઝીલેન્ડની ટીમે 2-1થી શ્રેણી જીતી લીધી છે. પહેલો દાવ લેનાર કિવિ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 212 રનનો જંગી જુમલો ખડકયો હતો. 213 રનના કઠિન વિજય લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા 20 ઓવરના અંતે 6 વિકેટે 208 રન પર અટકી હતી. વન ડે શ્રેણીમાં 4-1થી જીત હાંસલ કરનાર ટીમ ઇન્ડિયાને ટી-20 શ્રેણીમાં 1-2થી હાર સહન કરવી પડી છે. 40 દડામાં પ ચોગ્ગા અને પ છગ્ગાથી આતશી 72 રન કરનાર કિવિ ઓપનર કોલિન મૂનરો મેન ઓફ ધ મેચ અને ટિમ સેફર્ટ મેન ઓફ ધ સિરિઝ બન્યા હતા. સતત 10 ટી-20 શ્રેણીથી અજેય રહેનાર ટીમ ઇન્ડિયાનો આ ક્રમ આજે તૂટયો હતો. ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 32 દડામાં 3 ચોગ્ગાથી 38, વિજય શંકરે 28 દડામાં પ ચોગ્ગા અને 2 છગ્ગાથી 43, રિષભ પંતે 12 દડામાં 3 છગ્ગાથી 28, હાર્દિકે 11 દડામાં 2 છગ્ગાથી 21 રન કર્યા હતા. રોહિત અને શંકર વચ્ચે બીજી વિકેટમાં 7પ રનની ભાગીદારી થઇ હતી. આખરી તબકકામાં દિનેશ કાર્તિક અને કુણાલ પંડયાએ સાહસિક ઢબે લક્ષ્યાંકનો પીછો કર્યો હતો, પણ તેઓ જીતથી પ રન છેટા રહી ગયા હતા. કાર્તિકે 16 દડામાં 4 છગ્ગાથી અણનમ 33 અને કુણાલે 13 દડામાં 2 છગ્ગા-2 ચોગ્ગાથી અણનમ 26 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે 34 દડામાં આક્રમક 63 રનની ભાગીદારી થઇ હતી. આખરી ઓવરમાં જીત માટે ભારતને 16 અને ટાઇ માટે 1પ રનની જરૂર હતી, પણ 11 રન જ થયા હતા. આથી 4 રને નજીકની હાર મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી સેંટનર અને ડેરિલ મિચેલે 2-2 વિકેટ લીધી હતી. આ પહેલાં ન્યૂઝીલેન્ડે આક્રમક શરૂઆત કરી હતી અને ભારતીય બોલિંગને છિન્નભિન્ન કરી દીધી હતી. મૂનરો અને સેફર્ટ વચ્ચે પહેલી વિકેટમાં 46 દડામાં 80 રનની ભાગીદારી થઇ હતી. સેફર્ટ 2પ દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 43 રને કુલદીપનો શિકાર બન્યો હતો. જ્યારે મૂનરોએ માત્ર 40 દડામાં પ ચોગ્ગા-પ છગ્ગાથી 72 રન ફટકારીને રન રમખાણ સજર્યું હતું. વિલિયમ્સને અને ગ્રેન્ડહોમે પણ આક્રમક બેટિંગ કરીને અનુક્રમે 27 અને 30 રન બનાવ્યા હતા. દિશા ચૂકી જનાર ભારતીય બોલરોનો લાભ લઇને મિચેલ 19 અને ટેલર 14 રને નોટઆઉટ રહ્યા હતા. આથી 20 ઓવરના અંતે કિવિઝના 4 વિકેટે 212 રન બન્યા હતા. ભારતના તમામ બોલર ખર્ચાળ સાબિત થયા હતા. સૌથી વધુ પ9 રન કુણાલે તેની 4 ઓવરમાં આપ્યા હતા. એક માત્ર કુલદીપે 26 રનમાં 2 વિકેટ લીધી હતી અને સારો દેખાવ કર્યો હતો.