આગોતરા માટે છબીલ પટેલ હાઇકોર્ટના દ્વારે

ભુજ, તા. 10 : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે `પ્રેસ્ટીજીયસ' બનેલા જયંતી ભાનુશાલી હત્યા પ્રકરણમાં એકબાજુ સૂત્રધાર બતાવાયેલા આરોપી માજી ધારાસભ્ય છબીલભાઇ નારાણ પટેલને પકડવા માટે તપાસનીશ ટુકડીએ ભચાઉની અદાલતમાંથી પકકડ વોરન્ટ મેળવવાની કરેલી કાર્યવાહીની આવતીકાલે સોમવારે સુનાવણી થશે, તો બીજીબાજુ ધરપકડથી બચવા માટે છબીલભાઇ પટેલે આગોતરા જામીન મેળવવા માટે રાજ્યની વડી અદાલત સમક્ષ ધા નાખી છે.  એક મહિનાથી વધારે સમય થઇ જવા છતાંયે ચાલુ ટ્રેને થયેલી કરપીણ હત્યાના આ મામલાના તાણાવાણા હજુ પૂર્ણપણે સુલઝાવી શકાયા નથી. સૂત્રધાર મનાતા આરોપીના ફાર્મ હાઉસના બે ભાગીદારની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવા સિવાય કેસને સંલગ્ન વધુ કોઇ કાર્યવાહી અત્યાર સુધી થઇ શકી નથી. જેના પર સમગ્ર કાંડમાં સૂત્રધાર હોવાનો આરોપ મુકાયો છે તે માજી ધારાસભ્ય છબીલભાઇ આ કિસ્સો બન્યો ત્યારથી વિદેશમાં છે. બનાવ પૂર્વે જ મસ્કત થઇને અમેરિકા ગયેલા શ્રી પટેલને પકડવા તરફ એકબાજુ તપાસનીશ સીટની ટુકડીએ ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યવાહી આરંભી છે તો સામીબાજુએ છબીલભાઇએ પણ ધરપકડને ટાળવા કાયદાકીય સહારો લેવાની પ્રક્રિયા આરંભી છે. જેને લઇને કેસ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ થાય તે પહેલાં જ કાયદાકીય જંગ આરંભાઇ ગયો છે. સત્તાવાર અને આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ છબીલભાઇને પકડવા માટે સીટની ટુકડી વતી સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ભચાઉની અદાલત સમક્ષ કલમ 70 મુજબનું વોરન્ટ મેળવવા અરજી ગત શુક્રવારે દાખલ કરાઈ છે. આ બાબતે આવતીકાલે સોમવારે સુનાવણી હાથ ધરાશે. આ વોરન્ટ મળ્યે તપાસનીશ ટુકડી કેસના મહત્ત્વના આ આરોપીને ઝડપી લેવાની દિશામાં આગળના પગલાં ભરવા સાથે મકકમ રીતે આગળ વધશે તેવો નિર્દશ મળી રહ્યો છે.  દરમ્યાન તપાસનીશો દ્વારા કાયદાની પકકડ પોતાના તરફ આગળ ધપી રહી હોવાના  અહેસાસ વચ્ચે છબીલભાઇએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટેની અરજી રજૂ કરી દીધી છે. જે વિશેની સુનાવણી હવે પછી હાથ ધરાશે. શ્રી પટેલ હાલે વિદેશમાં હોવાથી તેમના માટે આગોતરા જામીનની આ કાર્યવાહીનો દોર તેમના ધારાશાત્રીઓ એસ.કે. પટેલ અને સિનિયર કાઉન્સિલ એ.વી.ઝાલાએ સંભાળ્યો છે. આ કેસ બોર્ડ ઉપર હવે આવશે, હજુ તારીખ જાહેર કરાઇ નથી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer