પૂર્વ કચ્છમાં તેલ-કોલસા ચોરી `પુરબહાર''માં

ગાંધીધામ, તા. 10 : પૂર્વ કચ્છનાં ગાંધીધામ, કંડલા, ચીરઇ, પડાણા, અંજાર, ભચાઉમાં ફરીથી ચોરી છુપીથી દારૂના પોઇન્ટ ગતિ પકડી રહ્યા છે. તો મીઠી રોહર જી.આઇ.ડી.સી.માં તેલ ચોરીના ખુલ્લેઆમ પોઇન્ટ, ગાંધીધામ, આદિપુર, અંજારમાં આંકડાની માયાજાળ, વોંધ લાકડિયામાં કોલસાચોરીના પોઇન્ટ ધમધમી રહ્યા હોવાના હેવાલ સાંપડી રહ્યા છે. વિકાસની પાંખ ઉપર સવાર થઇને ઊડતા એવા ગાંધીધામ સંકુલ, કંડલા, ચીરઇ, પડાણા, અંજાર, ભચાઉમાં ફરીથી ચોરી છુપીથી દારૂના પોઇન્ટ ગતિ પકડી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉ જેમ ખુલ્લેઆમ કેબિનોમાં શરાબની બોટલો રાખીને બુટલેગરો બિન્ધાસ્ત દારૂ વેચતા હતા તે રીતે નહીં, પરંતુ ખૂણે ખાંચરે અથવા ફોન કરો તો બુટલેગરો દારૂની ડિલિવરી આપી જતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મીઠી રોહરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ખુલ્લેઆમ તેલચોરીના પોઇન્ટ ધમધમી રહ્યા છે. તેલ ચોરીની બદી ચલાવનાર આ ઇસમો પાસેથી `ટકલો' નામનો શખ્સ પોલીસ તથા પત્રકારોના નામે પણ નાણા ઉઘરાવી આવતો હોવાનું જાણવા મળ્યું હતું. ઘણાં લાંબા સમયથી રાજ્યની ડીજી વિજિલન્સની ટીમે કચ્છમાં દેખા દીધી નથી ત્યારે આ ટીમ એકવાર અહીં આંટો મારી જાય તો આવા તેલચોર અને અમુક પલળેલા  ખાખીધારીઓમાં સોંપો પડી જાય તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્યની આ ટીમ અહીં દરોડો પાડે તો અનેકના પેટમાં તેલ રેડાય તેમ છે. તો બીજી બાજુ વોંધ-ભચાઉ વચ્ચે એક હોટેલ પાસે તથા લાકડિયા નજીક કોલસા ચોરીનો ધંધો પણ બેફામ બન્યો છે. ટ્રક ચાલકોને ભોળવી અથવા લાલચ આપી કોલસાનો જથ્થો કાઢી લઇ તે ટ્રકમાં પાણી નાખીને તેને જવા દેવાય છે અને કાઢેલ કોલસાના જથ્થાને બારોબાર વેચી દેવાય છે, પૂર્વ કચ્છમાં આવા અનેક બે નંબરી ધંધા ફૂલ્યા ફાલ્યા છે જેના કારણે કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ આવી મંદીમાં આર્થિક ધુમ્બો લાગતો હોય છે. અગાઉ ભચાઉમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં મિથેનાઇલ નામનું કેમિકલ નાખવામાં આવ્યું હોવાનું જે-તે વખતે બહાર આવ્યું હતું, ત્યારે હાલમાં પણ તેલ અને કેમિકલની ચોરી કરનારા તત્ત્વો દારૂ બનાવવા માટે આવા કેમિકલનો ઉપયોગ નહીં કરતા હોય તેની શું ખાતરી છે ? ત્યારે સ્થાનિક પોલીસ શું બીજા લઠ્ઠાકાંડની રાહ જોઇ રહી છે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer