રાપરમાં ધોળા દિવસે તાળાં તોડી સફાઇ કામદારના ઘરમાં 30 હજારની `સફાઇ''

ગાંધીધામ, તા. 10 : ભચાઉના મેઘપરમાં એકી સાથે 9 મકાન, આધોઇના શાહુનગરમાં પાંચ બંધ મકાનમાં તસ્કર પરોણા બાદ રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં પાલિકાના સફાઇ કામદારના મકાનમાંથી ધોળા દિવસે ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી છે. રાપરની નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા અને અયોધ્યાપુરી- ચામુંડાનગરમાં રહેતા નવીન રાજાભાઇ વાલ્મીકિના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ફરિયાદી એવા આ આધેડ અને તેમનો પરિવાર સામાજિક પ્રસંગે પોતાના સાસરિયા ગયા હતા. દરમ્યાન, ગઇકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યાના અરસામાં ધોળા દિવસે હરામખોરોએ આ સફાઇ કામદારના ઘરમાં ખાતર પાડ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના બંધ મકાનનાં તાળાં, નકૂચા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર બરણીમાંથી ચાવી કાઢી કબાટ ખોલી તેમાંથી સોનાની ચેઇન તથા સોનાની વાળી એમ કુલ્લ રૂા. 30,000ના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. ધોળા દિવસે ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer