વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવા મુદ્દે આજે ભુજમાં ધરણાં

ભુજ, તા. 10 : વર્ષ 1997થી અત્યાર સુધી ભરતી થયેલા તમામ બાલગુરુ તથા વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણી તેમને તમામ મળવાપાત્ર લાભો આપવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર રાજ્યનાં તમામ જિલ્લા મથકોએ તા. 11-2ના જિલ્લા સંઘો દ્વારા શિક્ષકોના એક દિવસના ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા    તા. 11-2ના જિલ્લા કક્ષાનો એકદિવસીય ધરણાં કાર્યક્રમ કલેક્ટર કચેરી નજીક, ભુજ ખાતે યોજાશે. સોમવારે સવારના 11 થી 4 કલાક સુધી યોજાનાર આ ધરણાં કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મળીને 300થી વધારે પ્રાથમિક શિક્ષક જોડાશે. ત્યારબાદ જિલ્લાના તમામ ધારાસભ્યો તથા સાંસદને આ બાબતે આવેદનપત્ર આપી શિક્ષકોની માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે આજથી તા. 16 ફેબ્રુઆરી સુધી રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોની સાથે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ કાળી પટ્ટી ધારણ કરી શાળામાં પોતાની ફરજ બજાવશે. જિલ્લા કક્ષાનાં ધરણાં બાદ આગામી 15-16 ફેબ્રુ.ના ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 તારીખે જિલ્લાના 150થી વધુ શિક્ષક આ ધરણામાં સામેલ થશે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer