આજથી નાના અંગિયાના સ્વામિ.મંદિરે પંચાહ્ન પારાયણનો પ્રારંભ

ભુજ, તા. 10 : નખત્રાણા તા.ના નાના અગિયા ગામના નૂતન સ્વામિનારાયણ મંદિરે તા. 11/2થી 15/2 દરમ્યાન શ્રીમદ્ ભાગવત પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞનો મહામહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. નાના અંગિયા ગામે હરિભક્તોના સહયોગથી ભુજ સ્વામિનારાયણ મંદિર (નરનારાયણ દેવ) સંચાલિત ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, સ્વામી પ્રેમપ્રકાશદાસજી તથા કોઠારી પાર્ષદ જાદવજી ભગતના આશીર્વાદ તથા પ્રેરણાથી ભાઇઓ તથા બહેનો માટે બે ભવ્ય નૂતન સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠાના ઉપલક્ષમાં તા. 11/2થી તા. 15/2 દરમ્યાન ભગવાન વેદવ્યાસ કૃત શ્રીમદ્ ભાગવત પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞમાં ભુજ મંદિરના શા. સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી, સ્વામી શ્રીરંગદાસજી, શાત્રી સ્વામી હરિપ્રસાદદાસજી વ્યાસાસને બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે. આ મંગલ અવસરે 1008 આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ પધારીને ભગવદ્ સ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠા કરશે. આ ભવ્ય નૂતન મંદિરમાં નિર્માણમાં અને તેના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નાના અંગિયા ગામના તેમજ પટેલ ચોવીસી તથા યુ.કે., નાઇરોબી, કેન્યા, ઓસ્ટ્રેલિયાના હરિભક્તો અને વિલ્સડન મહિલા મંડળનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.મંદિરના સંપૂર્ણ નિર્માણકાર્યમાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી દિવ્યસ્વરૂપદાસજી તથા સ્વામી ધર્મસ્વરૂપદાસજીએ યોગદાન તેમજ માર્ગદર્શન આપ્યું છે. આ મહોત્સવનો લાભ લેવા માટે ભુજ મંદિરના કોઠારી સ્વામી નારાયણમુનિદાસજી, પુરાણી સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજી, સ્વામી દેવસ્વરૂપદાસજીએ જણાવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer