10 ટકા અનામત માટે કચ્છીઓ જાગૃત થાય

10 ટકા અનામત માટે કચ્છીઓ જાગૃત થાય
ભુજ, તા. 23 : અદાણી મેડિકલ કોલેજમાં કચ્છી છાત્રોને 10 ટકા અનામત નહીં મળે તો આગામી દિવસોમાં જો કચ્છ અને કચ્છના યુવાનો, જાગૃત લોકો સાથ દેશે તો ઉપરોકત મુદ્દે આગળ લડાઇ લડાશે તેવું સામાજિક અગ્રણીએ જણાવ્યું હતું.  ભુજના આદમભાઇ ચાકીએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે,  જિલ્લાની એકમાત્ર અને કચ્છી દાતા દ્વારા અપાયેલ હોસ્પિટલ કે જે સરકારે અદાણીને મેડિકલ કોલેજ ચલાવવા આપી. જેમાં કચ્છી છાત્રોને 10 ટકા અનામત મળે તે બાબતે 2011થી હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી લડત કરી જે આજે પણ ચાલુ છે. અગાઉ કોલેજના અધિકૃત બકુલભાઇ ધોળકિયાએ મેનેજમેન્ટ ક્વોટામાંથી 10 ટકા અનામત આપવા એફિડેવીટથી સરન્ડર કરી.  આ ઉપરાંત કાયદાકીય લડત દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ અંગે સરકાર નિર્ણય કરે તેવું ઠરાવ્યું. પરંતુ હાલે અદાણી દ્વારા ઉપરોકત 10 ટકા અનામત તેમના મેનેજમેન્ટ કવોટાને મળે તે માટે અરજી કરી છે જેની સુનાવણી આગામી 25/1ના થશે.  જો કે, આ ક્વોટા જો કચ્છને અપાય તો આખા રાજ્યમાં તેનો અમલ કરવો પડે તેવી વાત બહાર આવી. પરંતુ હકીકતે એ ક્વોટા તો મેનેજમન્ટના કવોટામાંથી જ આપવાનો હોવાનું શ્રી ચાકીએ જણાવ્યું. જો કે, તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ લડાઇ બિનરાજકીય ઉદ્દેશથી છે. આ અંગે કચ્છના ધારાસભ્યો તથા રાજકીય અગ્રણીઓને પણ લેખિત જાણ કરી કચ્છને ફાળવાયેલો કવોટા મળે તેવી માંગ તેમણે કરી આગામી લડત માટે કચ્છના યુવાનો, જાગૃત લોકોનો સાથ માગ્યો હતો. શ્રી ચાકી સાથે રમેશ ગરવા, દત્તેશ ભાવસાર અને ઘનશ્યામાસિંહ ભાટી, એડ. હનીફ ચાકી ઉપસ્થિત રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer