અંજારના તમામ સર્કલ વ્યવસ્થિતિકરણ માગે છે

અંજારના તમામ સર્કલ વ્યવસ્થિતિકરણ માગે છે
અંજાર, તા. 23 : અહીંના તમામ સર્કલો નવીનીકરણ નહીં પણ વ્યવસ્થિતિકરણ માગે છે તેવું સૂચન નિવૃત્ત સરકારી ઇન્જિનિયર એલ.વી. વોરાએ કર્યું હતું. અંજારના અગ્રણી શ્રી વોરાએ સવાસર નાકા બહારના સર્કલ વિશે જણાવ્યું કે જૂના શહેરોમાં અંદરના ભાગે પૂરતી જમીન હોતી નથી અહીં પણ એમ જ છે તેમ છતાં ગુજરાત સરકારની અર્બન ડેવલપમેન્ટ (?) કંપનીએ કે પછી `આડા'એ બહુ મોટું સર્કલ બનાવ્યું અને પછી ટ્રાફિકની મુશ્કેલી વધી ત્યારે સર્કલ નાનું બનાવવાની વાત થઇ પણ જોઇએ તેટલું નાનું બન્યું નહીં, પરિણામે આજે પણ આ સર્કલને કારણે ટ્રાફિકની અંધાધૂંધી પ્રવર્તે છે અને સર્કલ એકદમ નાનું કરવાની જરૂર છે. વાસ્તવમાં અંજારમાં મોટાભાગના સર્કલો ત્રણ ફુટના વ્યાસથી મોટા ન હોવા જોઇએ પણ એ હકીકતનો કોઇ સ્વીકાર કરતું નથી. ગંગા નાકા બહાર બલરામજીની પ્રતિમાવાળું સર્કલ છે ત્યાં પણ આ જ રીતે મુશ્કેલીઓ છે. ભુજ રોડ પર અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળે બનાવેલ કળશ સર્કલ છે. જે સર્કલ પર સ્ટ્રકચર તેના કેન્દ્રમાં ન બનાવ્યું હોય તેને એસેન્ટ્રીક કહે છે અને આવા એસેન્ટ્રીક સર્કલો ટ્રાફિક માટે જોખમી હોય છે. અંજારમાં કેટલાક સર્કલો જરૂરિયાતને બદલે જુદી જગ્યાએ થયેલ છે કારણ કે આ જંકશન પર આડાનો રોડ રાજ્યના બાંધકામ ખાતાને મળતો હોય ત્યાં રાજ્યના બાંધકામ ખાતા સાથે કોઇ વાતચીત કરવાની આડાના તત્કાલીન અધિકારીઓની તૈયારી ન હતી જેનો ભોગ અંજાર બન્યું છે. આ કળશ સર્કલનું પણ આવું જ છે તે કેન્દ્રમાં ન હોવાને કારણે ભુજ બાજુ જતા વાહનો કે યોગેશ્વર ચોકડી તરફથી આવતા વાહનોએ કયાંથી જવું તેવી દ્વિધામાં મુકાય છે જેને કારણે અહીં ટ્રાફિક જોખમમાં છે જો આને સેન્ટરમાં મુકાય તો પ્રશ્ન ઉકલી જાય. અંબાજીના મંદિર પાસેના હનુમાનજી મંદિર પાસે શ્રી લાખાભાઇની પ્રતિમાવાળું સર્કલ જેમ તેમ ઊભું કર્યું છે જેને પરિણામે સામેથી આવનાર વાહન કયાં થઇને જશે તે નક્કી થતું નથી. વેલજીભાઈ ગજ્જરની પ્રતિમા પાસે સર્કલ મોટું બનાવાયેલું છે તે ત્રણ ફુટનું બનાવી દેવાય તો પ્રશ્ન 70 ટકા ઉકલી જાય. એસ.ટી. પાસેનું સર્કલ પણ મોટું હતું અને પછી એક સંસ્થાએ નાનું બનાવ્યું પણ બહુ જ ઓછી સાઇડો કાપી છે જેને કારણે કોઇ ફર્ક પડતો નથી. ગાંધી સર્કલનું નવીનીકરણ કરાય છે પરંતુ કોઇ ઇન્જિનિયરિંગ દૃષ્ટિનો અભાવ વર્તાય છે. સૌ પ્રથમ તો એ વાતને સ્વીકારવી પડે કે સર્કલ એટલે ગોળાકાર જ હોય એ જરૂરી નથી. અહીં નવીનીકરણ કરીને સર્કલને અંડાકાર બનાવવાની જરૂર છે. કલોક ટાવર પાસેનું સર્કલ નાનું તો બનાવ્યું પણ જે જગ્યા ખાલી થઇ તેમાં ડામર સપાટી કરવાને બદલે ઇન્ટરલોક પાથરી દેવાયા જેને કારણે તે જગ્યા ટ્રાફિકને કામ આવતી નથી. આની જ બાજુમાં છગનભાઇ પારેખની પ્રતિમાવાળું સર્કલ અને તેની બાજુનો રસ્તો નગરપાલિકાએ સામે ચાલીને અકસ્માત ઝોન બનાવ્યો છે. ગર્લ્સ હાઇસ્કૂલની સામે 6 ફૂટ ડિવાઇડર હતું તે કાઢી નાખવામાં આવતાં દરેક વાહનોને રોંગ સાઇડમાં જવાની છૂટ મળી ગઇ છે. સ્વ. ભવાનજીભાઇ ચંદેની પ્રતિમાવાળા સર્કલને પણ આડાના અધિકારીઓની ડરપોક નીતિ આડી આવી છે. દાતા મહેન્દ્રભાઇ ચંદે સર્કલ સેન્ટરમાં થાય તે માટે  આગ્રહી હતા પણ આડાના રસ્તા પર અધિકારીએ બનાવ્યું. આ સર્કલ પર પાંચ રસ્તા ભેગા થાય છે ત્યારે લોકો પોતાના વાહનો કેવી રીતે પસાર કરતા હોય છે તે તો વાહનોવાળા જાણે. કસ્ટમ ચોકમાં મોટું સર્કલ બનાવી શહેરની અંદરના સાંકડા રસ્તાને વધુ સાંકડો બનાવ્યો છે. સર્કલ ભગતસિંહ તથા યોગેશ્વર ચાર રસ્તા પર ખૂબ જ જરૂરના મનાય છે. માત્ર માટી ભરેલા ડામરના ત્રણ પીપ મૂકી દેવાય તો પણ ચાલે. આવી જ વિટંબણા વલુભાની ધર્મશાળા, જૂના સ્ટેશન પાસે છે. ચાર રસ્તા ક્રોસમાં ભેગા થાય છે. કયું વાહન કયાંથી ક્યાં જશે તે કોઇ નક્કી થઇ શકતું નથી ત્યારે અહીં માત્ર ડામરના ખાલી પીપ માટી ભરીને અમુક જગ્યાએ રખાય તો ટ્રાફિક આપોઆપ ચેનલાઇઝ થઇ જાય પણ આ નધણિયાતા ગામની ચિંતા કોણ કરે ? દર માસે કહેવાતી એટીવીટીની મિટિંગ મળે છે પણ આ વાત કોના ધ્યાને આવે ? પ્રાંત કચેરીએ સમય સમય પર ટ્રાફિકની મિટિંગ બોલાવવાની થાય છે પણ કોને પડી છે ? વહીવટીતંત્ર કોને કહેવાય તે શું હવે પ્રજાએ સમજાવવું પડશે ? તેવો રોષ સાથે સવાલ શ્રી વોરાએ ઉઠાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer