સમર્પિત બનીને જે વ્યક્તિ સેવા કરે તેની સમાજ હંમેશાં કદર કરે

સમર્પિત બનીને જે વ્યક્તિ સેવા કરે તેની સમાજ હંમેશાં કદર કરે
ભુજ, તા. 23 : ઇશ્વરે તમને લોકોની સેવાની તક આપી છે, કોઇકનું ભલું કરશો તો તમારું ભલું થશે. સમાજને સમર્પિત, શહેરને સમર્પિત બની સેવા કરે તેની સમાજ હંમેશાં કદર કરે છે તેમ અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 વર્ષની સેવા પ્રવૃત્તિની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી પ્રસંગે ડો. મણિલાલ કાપડીને સન્માનપત્ર આપી સન્માનિત કરવાના કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ, અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી વાસણભાઈ આહીર તેમજ કાપડી સમાજના સંતો મૂળજીદાદા, ભરતદાદા, કથાકાર દિનેશભાઈ રાવલ,  દિલીપરાજા, જગજીવનદાસજી, દયારામ કાપડી, જયંતીદાસજીના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકાર અને અંજારના જનપ્રતિનિધિ તરીકે ડો. મણિલાલ કાપડીને અભિનંદન પાઠવતાં રાજ્યમંત્રી આહીરે આ તકે કાપડી સમાજ વધુ ને વધુ શિક્ષિત બને તે જરૂરી છે તેમ જણાવી એવું સૂચન કર્યું હતું કે,  શિક્ષણના માધ્યમથી દરેક ક્ષેત્રમાં સમાજલક્ષી કામ કરવાનો અને સમાજની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે તેનું અદકેરું મહત્ત્વ છે. જ્યારે કોઇ જરૂરિયાતમંદ, ગરીબ, દુ:ખિયાનાં આંસુ લૂછવાનો અવસર મળે ત્યારે સેવાભાવનાથી શુશ્રૂષા કરવા જેવું ઉત્તમ કાર્ય હંમેશાં સમાજમાં સેવાની સુવાસ ફેલાવે છે. આ પ્રસંગે ડો. કાપડી દ્વારા  સ્વાગત કરાયું હતું. ડો. કાપડીની 50 વર્ષની સેવાકીય કારકિર્દીનો પરિચય અપાયો હતો. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોષીએ કર્યું હતું. નગરપાલિકાના પૂર્વાધ્યક્ષ કલ્પનાબેન શાહ, મનુભાઈ શાહ, કાપડી સમાજના મંત્રી દશરથભાઈ કાપડી, લાલજીભાઈ કાપડી, કાનજીભાઈ કાપડી, ડો. કાપડી પરિવારના સદસ્યો, શહેરના અગ્રગણ્ય નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer