ગાંધીધામના ધારાસભ્યને આદર્શ યુવા વિધાયક પુરસ્કાર એનાયત

ગાંધીધામના ધારાસભ્યને આદર્શ યુવા વિધાયક પુરસ્કાર એનાયત
ગાંધીધામ, તા. 23 : ભારતીય છાત્ર સાંસદના પુના ખાતે યોજાયેલા ત્રિદિવસીય અધિવેશનમાં ગાંધીધામના ધારાસભ્યને આદર્શ યુવા ધારાસભ્યના પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. એસ.બી.આઈના પૂર્વ ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્ય, સિક્કીમ વિધાનસભાના નાયબ અધ્યક્ષ સોનમ લેટેચા, ભાવના સોમૈયાના હસ્તે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને સ્મૃતિચિન્હ, પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. દેશના 12 ધારાસભ્યોને આ પુરસ્કાર એનાયત કરાયો હતો જે પૈકી ભાજપના 4 ધારાસભ્યોમાંથી આ સન્માન મેળવનારા માલતીબેન ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય હતાં. તેમણે પ્રાસંગિક વકતવ્યમાં આદર્શ યુવા ધારાસભ્ય તરીકેનું સન્માન આપવા બદલ ભારતીય છાત્ર સાંસદ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમજ નાની વયે ધારાસભ્યની કામગીરી કરવાની તક આપવા બદલ પાર્ટીનો પણ આભાર માન્યો હતો. અરુંધતીબેન અને ભાવના સોમૈયાએ તેમના ક્ષેત્રના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. સોનમ લેટચાએ મહેમાનો અને દેશની વિવિધ યુનિવર્સિટીમાંથી ભાગ  લેનારા વિદ્યાર્થીઓ સાથે રાજકારણ અંગે ચર્ચા કરી રાજકારણને આદર્શ કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તે બાબત ઉપર વકતવ્ય આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer