કચ્છમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા જિ.પં. દ્વારા મફત ઉકાળા વિતરણ

કચ્છમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા જિ.પં. દ્વારા મફત ઉકાળા વિતરણ
ભુજ, તા. 23 : હાલના સમયમાં કચ્છમાં વિવિધ સ્થળે સ્વાઇન ફ્લુના કેસ પોઝિટિવ આવતાં રોગ સામે રક્ષણ મળે તથા રોગને ફેલાતો અટકાવી શકાય એ માટે જિલ્લા પંચાયત દ્વારા કચ્છમાં વિવિધ સ્થળે રોગપ્રતિકારક શક્તિવર્ધક, સ્વાસ્થ્યપ્રદ આયુર્વેદ અમૃતપેય ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ડી.ડી.ઓ. પ્રભવ જોશીની સૂચનાથી અને જિલ્લા આયુ. અધિકારી ડો. કમલેશ જોષીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ મહિનામાં કચ્છમાં વિવિધ સ્થળોએ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ચલાવવામાં આવતા ઉકાળા વિતરણ કેન્દ્રમાં 40 હજાર કરતાં વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જિલ્લા પંચાયત કચ્છ-ભુજની બહાર જિલ્લા આયુર્વેદ શાખા તથા ચોથા વર્ગ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક ઉકાળા વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિયતિબેન પોકાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉકાળા વિતરણ કેન્દ્ર તા. 25/1 સુધી સવારે 10થી 1 દરમ્યાન કાર્યરત રહેશે. ભુજની જાહેર જનતાને આ સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનો લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer