સામખિયાળીથી ચિત્રોડ સુધી લાઇનમાં બાકોરું પાડી પાણી ચોરતા આઠ હોટલવાળા સામે ફોજદારી

ગાંધીધામ, તા. 23 : રાજ્યના છેવાડાના અને સૂકા મુલક ગણાતા કચ્છમાં આવતી નર્મદા કેનાલમાંથી પાડોશી જિલ્લાના ખેડૂતો પાણી?ખેંચી લેતા હોવાનું જગજાહેર છે. તેવામાં ભચાઉ તાલુકાના સામખિયાળીથી રાપર તાલુકાનાં ચિત્રોડ, બાદરગઢ સુધી જતી પાણી પુરવઠાની લાઇનમાં કાણું પાડી પાણીની ચોરી કરતા 8 હોટેલોના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સૂકા ગણાતા આ જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો પડતાં ડેમ, તળાવો સૂકા પડયા છે. તેવામાં જોઇએ તેટલું પાણી નર્મદાનું મળતું નથી અને નર્મદા કેનાલમાંથી પાડોશી જિલ્લાના ખેડૂતો પાણી ખેંચી લેતા હોય છે. જેનાં કારણે પીવાનાં પાણી અને પાક માટેનાં પાણીની તંગી રહેતી જ હોય છે. આવામાં હવે પાણી પુરવઠાની મુખ્ય લાઇનોમાંથી હોટેલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, વોટર સપ્લાયના નામે ચાલતી દુકાનોના સંચાલકો પાણી ખેંચી લેતા હોવાનું બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. પાણી પુરવઠાની લાઇન સામખિયાળીથી લાકડિયા, ચિત્રોડ સુધી માર્ગની બાજુએ બાજુએ 10 મીટરથી 200 મીટરના અંતરે આવેલી છે. આ લાઇનમાં કાણું પાડી હોટલોના સંચાલકો ગેરકાયદેસર રીતે તેમાંથી પાણીની ચોરી કરતા હતા. આ લાઇન ઉપર નજર રાખવા પાણી પુરવઠાએ ખાનગી કંપનીને કોન્ટ્રેકટ આપ્યો છે. આ કંપનીના કામદાર એવા વિનુભા ભગુભા સોઢાએ હોટેલ બજરંગ તથા ભારત (સાગર) પેટ્રોલિયમના સંચાલક બળુભા વિરમજી સોલંકી, ન્યૂ રિદ્ધિ સિદ્ધિ આઇ માતા હોટેલના શંકર પ્રભુ જાટાવાડિયા, શિવ શક્તિ હરિયાણા હોટેલ (ભાગ્યોદય રેસ્ટોરન્ટ)ના અલીમામદ ઉમર રાઉમા, હોટેલ એપેક્ષના વાહીદ હબીબ પલસાણિયા, હોટેલ મહાદેવ આઇમાતાના કરસનભા ખોડુભા ગઢવી, હોટેલ આશિષના મીનાબા પ્રતાપસિંહ જાડેજા, હોટેલ જાલ (હોટેલ દેવનારાયણ)ના મહેન્દ્રસિંહ નાથુસિંહ જાડેજા, સંધુ સરદાર પંજાબી ધાબાના અજિતસિંહ જાલુભા જાડેજા વિરુદ્ધ પાણીચોરીની આ ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. આ અગાઉ પણ વિનુભા સોઢાએ તપાસ કરતાં આ હોટેલનાં ગેરકાયદેસર જોડાણ બહાર આવ્યાં હતાં. જે તે વખતે પાણી પુરવઠાના અધિકારીઓને સાથે રાખીને આ જોડાણ બંધ કરાયાં હતાં, છતાં આ જોડાણ ચાલુ રખાતાં પાણીનો જથ્થો ઓછો મળતાં અંતે આ અંગે ફરિયાદ કરાઇ હતી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer