અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ઘટથી મુશ્કેલી

મુંદરા, તા. 23 : સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંજારમાં મહેકમ ઘટનાં કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. કર્મચારીની ઘટને તુરંત ભરવાની માંગ મુંદરાના ટુંડા ગામના મહેશ્વરી મયૂરભાઈએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી છે. તેમણે કરેલી આર.ટી.આઈ.ના જવાબમાં અંજાર કેન્દ્ર તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જાન્યુઆરી-'19ની સ્થિતિએ મંજૂર થયેલી જગ્યાઓ 62 છે. જે પૈકી 27 જગ્યાઓ ખાલી પડી છે. જે પૈકી વોર્ડ સર્વન્ટ 16માંથી 11 જગ્યા ખાલી છે. જ્યારે વર્ગ-2ના એક તબીબ ફેબ્રુઆરી-'16થી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે જ્યારે અન્ય વર્ગ-2ના તબીબ મે-'18થી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. અન્ય તબીબ 3 માસથી અંગત કારણોસર રજામાં છે. જ્યારે એપ્રિલથી ડિસેમ્બર-'18 સુધીમાં 51,253 દર્દીઓને ઓ.પી.ડી. તરીકે સારવાર આપવામાં આવી હતી. અધીક્ષક તબીબની જગ્યા ખાલી છે. જેનો કાર્યભાર અન્ય તબીબને વધારાના ચાર્જ તરીકે સોંપવામાં આવ્યો છે. અંજાર સામૂહિક કેન્દ્ર તરફથી પણ ઉચ્ચકક્ષાએ મહેકમ ઘટનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જો કે પરિણામ કશું આવ્યું નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer