સમાજના સંગઠન પર ભાર મૂકવા અનુરોધ

સમાજના સંગઠન પર ભાર મૂકવા અનુરોધ
અંજાર, તા. 22 : શહેરમાં અદ્યતન સુવિધાથી સજજ ક્ષત્રિય સમાજવાડીનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો, જેમાં સમાજમાં સંગઠન  અંગે ભાર મુકાયો હતો. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત  રહ્યા હતા. ગાયત્રી ચાર રસ્તા પાસે બનેલી   ક્ષત્રિય સમાજવાડીનું   મુખ્ય દાતા  દશરથસિંહ જે. જાડેજા, મનુભા. જે. જાડેજા, સુધીરસિંહ બી. જાડેજાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ વેળાએ  કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને માંડવી-મુંદરાના  ધારાસભ્ય  વીરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા  પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, કચ્છ યુનિવર્સિટીના  પૂર્વ  ઉપકુલપતિ  ચંદ્રસિંહ બી. જાડેજા, એસ.ટીના  વિભાગીય નિયામક બ્રિજરાજસિંહ જાડેજા સહિતના અતિથિઓએ નવી ઈમારતનું અવલોકન કરી  આવા ઉત્તમ કાર્ય અંગે  આનંદની લાગણી વ્યકત કરી હતી. સમાજ માટે ઉપયોગી  આ ભવનમાં  એક  ભવ્ય  સાઉન્ડપ્રૂફ હોલ,  ઉતારા માટે પાંચ  રૂમ તથા બહારના ભાગે  એક પાર્ટી પ્લોટની  સાથે સુરક્ષાની  દ્રષ્ટીએ સી.સી. ટી.વી કેમેરા  જેવી આધુનિક સુવિધાનો સમાવેશ કરાયો  હોવાની વિગતો  રણજિતસિંહ જાડેજાએ આપી હતી. લોકાર્પણ પ્રસંગે   અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ  સમાજમાં સંગઠન ઉપર ભાર મૂકી અન્ય સમાજના કાર્યમાં સહભાગી થવા માટે હાકલ કરી હતી તેમજ  કચ્છ યુનિવર્સિટીના ઉપકુલપતિ  સી.બી.જાડેજાએ  પોતાના ઉદબોધનમાં  સમાજમાં શિક્ષણનો વ્યાપ  વધારવા  અપીલ કરી હતી. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના તથા  તાલુકા કક્ષાના સમાજના હોદેદારોએ હાજરી  આપી હતી. આયોજને સફળ બનાવવા માટે  સમાજના સભ્યોએ સહકાર આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer